યોગ ભારતીય પ્રાચીન સંસ્કૃતિની દેન છે, યોગ આધ્યાત્મિક અને શારીરિક શક્તિ આપે છે, તેવું આજે ગાંધીનગર જિલ્લા કક્ષાનો સ્વર્ણિમ પાર્કખાતે યોજાયેલ વિશ્વ યોગ દિવસકાર્યક્રમમાં ઉપસ્થિત ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રવર્તમાન ભાગ દોડવાળી જિંદગીના કારણે જીવન જીવવાની શૈલીમાં મોટો બદલાવ આવ્યો છે. જેના પરિણામ સ્વરૂપે અનેક નાના મોટા રોગોનો ભોગ લોકો બની રહ્યાં છે. યોગને રોંજિદા જીવનમાં સ્થાન આપીને નિયમિત કરવાથી અનેક રોગોનું નિરાકરણ આવે છે. આજે પાંચમા વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર રાજયમાં વિવિધ સ્થળોએ યોજાયેલ યોગ કાર્યક્રમમાં ૧ કરોડ ૫૦ લાખથી વધુ લોકો સહભાગી બન્યા છે. તે ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં ૧૩૬૦ સ્થળોએ યોજાયેલ યોગના કાર્યક્રમમાં ૫ લાખથી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. યુવાનો સહિત સર્વે લોકોને યોગને રોંજિદા જીવનની દિનચર્યામાં કરવા માટે પણ ભાર પૂર્વક જણાવ્યું હતું.
ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના યોગના કાર્યક્રમના આરંભે દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ ઝારખંડના રાંચી ખાતેના પ્રભાતતારા મેદાન માંથી દેશના વ્યક્તિઓને પાંચમા વિશ્વ યોગ દિને સંબોધી નેઅભિનંદન આપીને યોગનું મહત્વ સમજાવ્યું હતું, તેનું લાઇવ પ્રસારણ નગરજનો સમક્ષ પ્રસારિત કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમનો આરંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચાલનક્રિયા, યોગાસનમાં તાડાસન, વૃક્ષાસન, પાદ મુક્તાસન-અર્ધ, ચક્રાસન, ત્રિકોણાસન, ભદ્રાસન, વજાસન-શશાંકાસન-ઉત્તાન મંડુકાસન, વક્રાસન, – મકરાસન, ભુજંગાસન, શલભાસન, સેતુ બંધાસન, પાદાસન કરવામાં આવ્યા હતા. પ્રાણાયામમાં કપાલભારતી-નાડીશોધન-શીતલી-ભ્રામરી, ઘ્યાન અને અંતે સંકલ્પ તથા શાંતિપાઠ કરી યોગ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.