આજે ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવર્સિટીના ચોથા પદવીદાન સમારોહને ખૂલ્લો મૂકીને દિક્ષાંત પ્રવચનમાં કોહલીએ ઉમેર્યું હતું કે, સ્વતંત્ર ભારત બાદ ગાંધીજીની સ્વરાજ્યની કલ્પનાને સાકાર કરવા માટે સંશોધનોના આદાન-પ્રદાન થકી ગ્રામ અર્થતંત્રને મજબૂત કરી સમુદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરીએ. દેશ વીસમી સદી પૂર્ણ કરીને એકવીસમી સદીમાં બે દશકા પૂર્ણ કર્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ‘ન્યુ ઇન્ડિયા’ ‘મેઇક ઇન ઇન્ડિયા’ અને વિકસીત ભારતની પરિકલ્પના લઇને ચાલી રહ્યા છે તેને પરિપૂર્ણ કરવામાં વિશ્વવિદ્યાલયોની ભૂમિકા અનેરી છે. વિશ્વવિદ્યાલયોમાં શ્રેષ્ઠ માનવશક્તિના નિર્માણ થકી યુવાઓ-વિદ્યાર્થીઓ ‘જોબ સીકર’ નહીં ‘જોબ ગીવર’ બને તે અત્યંત જરૂરી છે. તેમણે કહ્યું કે, ભારત કૃષિ પ્રધાન દેશ છે અને પશુપાલન આનુષાંગિક વ્યવસાય છે ત્યારે દેશમાં પરંપરાગત જ્ઞાનનો વ્યાપક ઉપયોગ કરીને વિજ્ઞાન અને અદ્યતન ટેકનોલોજી સાથે જોડીને વિકાસીત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનીએ.
રાજ્યપાલે ઉમેર્યું કે, ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં વિવિધ યુનિવર્સિટીઓની સ્થાપના કરીને દેશને નવો રાહ ચિંધ્યો છે. કામધેનુ યુનિવર્સિટી પણ ૨૦૧૪થી શરૂથઇને આજે વટવૃક્ષ બની ગઇ છે.
પશુપાલન ક્ષેત્રે પરંપરાગત જ્ઞાનની સાથે ટેકનોલોજીને જોડીને ગ્રામ્ય સ્તરે પહોંચાડવા માટેના પ્રયાસો કરવા પડશે. નવા જ્ઞાનનું સર્જન કરીને લોકો સુધી પહોંચાડવું પડશે. યુનિવર્સિટીએ અનેક સોપાનો સર કર્યા છે તે માટે તેમણે અભિનંદન આપી પદવી મેળવનાર વિદ્યાર્થીઓને કરૂણાની ભાવના દ્વારા પશુ-પક્ષીઓની સેવા કરી પર્યાવરણનું જતન કરવાની અપીલ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને તેમના શ્રેષ્ઠ જ્ઞાનનો ઉપયોગ કરી રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.
કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહજી પરમારે પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપતાં કહ્યું કે, તેમનામાં રહેલા જ્ઞાન અને સુષુપ્ત શક્તિઓનો સુભગ સમન્વય કરીને દેશના પશુપાલન વિકાસમાં ભાગીદાર બનવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું કે, ગુજરાતે પશુપાલન ક્ષેત્રે આગવી સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં ઉત્તમ પ્રકારનું પશુધન તેમજ પશુ ઓલાદો ઉપલબ્ધ છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર હંમેશા પ્રોત્સાહન આપે જ છે. દેશના વડાપ્રધાનશ્રીએ સૌનો સાથ સૌનો વિકાસની પરિકલ્પનાને પૂર્ણ કરવા કામધેનુ યુનિવર્સિટીને તમામ પ્રકારની જરૂરી આર્થિક મદદ કરવા રાજ્ય સરકાર તત્પર છે.
કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. પી.એચ.વાટલીયાએ સ્વાગત પ્રવચન કરી યુનિવર્સિટીની કામગીરીની રૂપરેખા આપી હતી. તેમણે કહ્યું કે, પશુપાલનનો વ્યવસાય હવે રાજ્યમાં સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી રહ્યો છે ત્યારે આ યુનિવર્સિટી ચોક્કસ દિશાદર્શક પુરવાર થશે. તેમણે કહ્યું કે, યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધી ત્રણ પદવીદાન સમારોહ સંપન્ન થયા છે. જેમાં ૧૫૫ ડીગ્રી અને ૧૩૪ ડિપ્લોમાની પદવી એનાયત લઇ છે અને આજે આ ચોથા પદવીદાન સમારોહમાં પોષ્ટ ગ્રેજ્યુએટની ૭ બી.ટેકની ૬૫ ડિગ્રી અને એનીમલ હસબન્ડરીમાં ૭૫ વિદ્યાર્થીઓને ડિપ્લોમાની ડીગ્રી મળી કુલ ૧૪૭ પદવી એનાયત કરાઇ છે.
આ પ્રસંગે રાજ્યની કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, કામધેનુ યુનિવર્સિટીના નિયામક મંડળના સભ્યો, વિદ્યા પરિષદના સભ્યો, યુનિવર્સિટીના અધિકારીઓ, નિષ્ણાંતો, પ્રાધ્યાપકો, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.