ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં હિન્દુ તીર્થ સ્થાનો અને ધાર્મિકસ્થળો ઉપરાંત, અન્ય ધર્મના પવિત્ર સ્થળો અને યાત્રાધામોને સામેલ કરી તે મુજબના જરૂરી લાભો તેઓને પણ જારી કરવા ગુજરાત હાઇકોર્ટમાં થયેલી રિટ અરજીની સુનાવણીમાં આજે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મહત્વનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું અને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું કે, યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હિન્દુ સહિત તમામ ધાર્મિક સ્થાનોના વિકાસની કામગીરી હાથ ધરશે. હાઇકોર્ટે ગુજરાત રાજય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રજૂ કરાયેલું સોગંદનામું રેકર્ડ પર લીધુ હતું અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી હતી. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સોગંદનામામાં હવેથી રાજયના તમામ યાત્રાધામોના વિકાસ અને તમામ ધર્મના ધાર્મિકસ્થાનોના વિકાસ અને સુવિધાની કટિબધ્ધતા વ્યકત કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ દાખલ કરાયેલી રિટ અરજીમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા કે, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના લાભો અને જોગવાઇમાં મોટાભાગે હિન્દુ ધર્મસ્થાનો અને યાત્રાધામોનો જ સમાવેશ કરવામાં આવ્યો છે .
અને તેથી તેના લાભો અને યાત્રિકો સંબંધી ફાયદાઓ હિન્દુ ધર્મના લોકો પૂરતા મર્યાદિત અને સીમિત રહી જાય છે. હિન્દુ ધર્મના જ માત્ર ૩૫૮થી વધુ ધાર્મિક સ્થાનોનો આ યાદીમાં સમાવેશ થાય છે. જેની સામે ખ્રિસ્તી, ઇસ્લામ, પારસી, બૌધ્ધ સહિતના અન્ય ધાર્મિક સ્થાનો અને યાત્રાધામોને આ યાદીમાં સામેલ કરાયા ના હોઇ તેના લાભો આ અન્ય ધર્મના ધાર્મિકસ્થળો તેમ જ યાત્રાધામો અને તે ધર્મના યાત્રિકો સુધી પહોંચી શકતા નથી.