રાણપુર તાલુકાના જાળીલા ગામના સરપંચના પતિ અને ગ્રામ પંચાયતના સભ્યની ૯ શખ્સોએ હત્યા કર્યા બાદ આ પરિવારે પોષ્ટમોર્ટમ કરવા અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં લઇ ગયેલ મૃતદેહ પરત સ્વીકારવા માટે છ માગણી સરકાર સમક્ષ મુકી હતી. અને રાણપુર પોલીસ સ્ટેશનની બહાર પણ લોકો ન્યાયની માંગણી માટે બેસી ગયા બાદ સરકાર હરકતમાં આવ્યા બાદ મનજીભાઇ જેઠાભાઇ સોલંકીની હત્યા સંદર્ભે તા.૨૦-૬ ના રોજ અગ્રસચિવ સામાજિક ન્યાય અને અધિકારીના વિભાગના અધ્યક્ષસ્થાને યોજાયેલ મીટીંગમાં નિર્ણયો લેવામાં આવેલ છે.
જેમાં આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે ૮ પકડાયા ૧ ફરાર જીલુ આપા ખાચર, મનજીભાઇ દ્વારા કરવામાં આવેલ તમામ એટ્રોસીટીના કેસ આ કેસ સહિત બોટાદ જિલ્લામાંથી અમદાવાદ જિલ્લામાં ટ્રાન્સફર કરવા માટે હાઇકોર્ટમાં પીટીશન કરવામાં આવશે.
આ ખૂનનો કેસ ચલાવવા મનજીભાઇના પરીવારે ત્રણ પી.પી.વકીલની પેનલના નામ આપવાના રહેશે, મનજીભાઇના પરિવારને પોલીસ રક્ષણ આપવામાં આવશે તથા તેમના પુત્રને તતા ભાઇને હથિયારનો પરવાનો આપવામાં આવશે, પોલીસ રક્ષણ માંગવા છતા ફરજમાં બેદરકારી દાખવનાર અધિકારી સામે ઇન્કવાયરી કરી કાર્યવાહી કરવામાં આવશે, રાજ્યમાં સંવેદનશીલ વિસ્તારમાં જે પરીવારોએ રક્ષણ માગ્યુ હોઇ તેની સમિક્ષા કરવામાં આવી નિર્ણય કરવામાં આવશે. આ તમામ માંગો સહાનુભૂતિ પૂર્વક વિચારવામાં આવશે તથા પૂર્ણ કરવામાં આવશે તેવી લેખિતમાં ઇન્ચાર્જ એ.ડી.જી. ઇન્ટેલીજન્સ ,ગુજરાત ગૃહવિભાગ, આર.બી.બ્રહ્મભટ્ટ, તથા અગ્રસચિવ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મનોજ અગ્રવાલ આઇ.એ.એસ.ે સ્વીકારતા મનજીભાઇના પરીવારે મૃતદેહ મોડી રાત્રે સ્વીકારી આજરોજ જાળીલા ગામે મોટી સંખ્યામાં સમાજના લોકોની હાજરી તથા ચુસ્ત હથિયારધારી પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમવિધી યોજાઇ હતી.