બોલિવુડમાં એન્ટ્રી કર્યા બાદથી જ એકપછી એક સિદ્ધી મેળવી રહેલી અને પોતાની એક્ટિંગ કુશળતાથી તમામને પ્રભાવિત કરનાર હુમા કુરેશીએ કહ્યુ છે કે હોલિવુડ અને બોલિવુડમાં કામ કરતા અનેક સિનિયર કલાકારો જાતિય સતામણીને લઇને તેમની સ્ટોરી રજૂ કરી રહ્યા છે. હુમાનુ કહેવુ છે કે જે રીતે હોલિવુડમાં કામ કરવાની રીત છે તે રીતે બોલિવુડમાં નથી. જો કે બોલિવુડમાં પણ કેટલીક હસ્તીઓ અને સેલિબ્રિટીઓ જાતિય અત્યાચાર અને શોષણને લઇને પોત પોતાની રીતે રજૂઆત કરી ચુકી છે. આ સંબંધમાં વાત કરતા હુમા કુરેશી કહે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સક્રિય રહેલા લોકો અને ખાસ કરીને સિનિયર લોકો આગળ આવે અને આ મામલે ઝુંબેશ ચલાવે તે જરૂરી છે. જો સિનિયરો આગળ આવશે તો ફાયદો થશે અને કેટલાક દુષણને લઇને જે ફરિયાદો કરવામાં આવી રહી છે તે દુર કરી શકાશે. તેનુ કહેવુ છે કે હોલિવુડમાં અનેક ટોપ સ્ટાર જાતિય શોષણનો શિકાર થઇ ચુકી છે. જેમાં ગ્યાનેથ પેલટ્રો, સલમા હાયેક, એન્જેલિના જોલીનો સમાવેશ થાય છે. તેમની રજૂઆત આ તમામ ટોપની હસ્તીઓ અનેક વખત કરી ચુકી છે. જો કે સમાજના અન્ય વર્ગના લોકો પણ જાતિય સતામણીને લઇને રજૂઆત કરી ચુક્યા છે. બીજી બાજુ બોલિવુડમાં ગણતરીના લોકો જ આને લઇને આગળ આવ્યા છે. બોલિવુડમાં પણ જાતિય સતામણીની પ્રથા હોવાની વાત કેટલાક કલાકારો કરીને ચોંકાવી ચુક્યા છે. હોલિવુડમાં અનેક સિનિયર અને મોટા સ્ટાર આ મુદ્દે વાત કરી રહ્યા છે. હુમા કુરેશીનુ કહેવુ છે કે મહિલાઓ આવી જાતિય સતામણીને લઇને હમેંશા મૌન રહે છે જે ખતરનાક સાબિત થાય છે. મહિલાઓએ પણ સાહસ સાથે તેમની ફરિયાદો રજૂ કરવી જોઇએ. સુરક્ષિત વાતાવરણ ન હોવાના કારણે ભારતમાં મહિલાઓ વહેલી તકે જાતિય સતામણીને લઇને ફરિયાદો કરતી નથી. તેનુ કહેવુ છે કે માહોલને સુરક્ષિત બનાવવા માટે ઘણા પગલા લઇ શકાય છે.