ગાંધીનગરમાં સેક્ટર-૬ના એક સરકારી મકાનમાં ઘરફોડ થઈ છે. બેફામ બનેલા તસ્કરોએ સેક્ટર-૭ પોલીસ સ્ટેશનની માત્ર અઢીસો મીટરના અંતરે આવેલા ઘરમાં હાથફેરો કરીને ૨૭ હજાર રોકડા અને દાગીના મળી ૯૫ હજારની મત્તાની ચોરી કરી છે. ઘટના અંગે સે-૭ પોલીસ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
સેક્ટર-૬ સ્થિત સરકારી ક્વાટર્સમાં બ્લોક નંબર ૪૬૬/૨ જ ટાઈપ ખાતે રહેતાં નિલેશભાઈ રાવલ ગાંધીનગર ચીફ કોર્ટમાં પ્યુન તરીકે ફરજ બજાવે છે. નિલેશભાઈના ફોઈનું મરણ થતા તેઓ પત્ની, માતા અને ભાઈ સાથે પોતાના વતન મહેસાણાના ગોઝરિયા ગયા હતા. નિલેશભાઈના નાના ભાઈ અને આરટીઓ એજન્ટ એવા જીતેન્દ્રભાઈ પર ગુરૂવારે સાંજે ૭ વાગ્યે પાડોશીનો ફોન આવ્યો હતો. પાડોશીએ કહ્યું હતું કે, તમારા દરવાજાનો નકુચો તુટેલો છે અને અંદર સામાન વેરવિખેર છે અને તિજોરીઓ ખુલ્લી હાલતમાં છે.
જેને પગલે તાત્કાલિક દોડી આવેલા પરિવારજનોએ ઘરમાં ચેક કરતાં ઘરમાંથી રોકડા ૨૭ હજાર, સોનાનું મંગળસુત્ર, સોનાની ૩ વીંટી, ૩ બુટ્ટી, ૪ પેન્ડલ એક દોરો મળી ૪૦ હજારના સોનાના દાગીના અને ચાંદીની પગની પાયલ તથા કડા મળી ૮ હજારના દાગીના ગૂમ હતા. ઘરની પાછળની બાજુએ તારની વાડ કાપી નખવામાં આવ્યું હોવાથી તસ્કરોએ બારી ખોલીને ઘરની અંદર જોયું હોવાનું મનાય છે.