અમૂલ દૂધમાં ભાવ વધારો થયા બાદ હવે અદાણી ગેસ દ્વારા પીએનજી અને સીએનજીના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. અદાણી ગેસ દ્વારા સીએનજીમાં રૂ.૧નો વધારો કરાયો છે, જેને લઇ સીએનજીનો નવો ભાવ પ્રતિ કિલો રૂ.૫૫.૯૫ થયો છે. જ્યારે પીએનજી(પાઈપ દ્વારા ઘરે પહોંચાડાતો ગેસ)માં પ્રતિ કિલો રૂ.૨નો વધારો થયો છે. આમ પીએનજીનો નવો ભાવ પ્રતિ કિલો રૂ.૨૬.૨૪ થયો છે. અદાણી ગેસ દ્વારા સીએનજી અને પીએનજીમાં ઝીંકાયેલા આ ભાવવધારાને લઇ નાગરિકોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ છે. પીએનજીના ભાવમાં વધારો થવાની ઘરના બજેટ પર અસર પડશે, જ્યારે સીએનજીના ભાવ વધારાને કારણે વાહન ચાલકો પર બોજ પડશે. પીએનજીના ભાવવધારાને લઇ ગૃહિણીઓનું બજેટ ખોરવતાં તેઓએ પણ ભારે રોષની લાગણી ઠાલવી છે. અદાણી ગેસ દ્વારા છાશવારે ઝીંકાતા આ પ્રકારે સીએનજી અને પીએનજીમાં ભાવવધારાને લઇ લોકોમાં ઘેરા પ્રત્યાઘાત સામે આવી રહ્યા છે તો બીજીબાજુ, સીએનજી-પીએનજીના આ ભાવવધારા સામે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ અને ગ્રાહક સંગઠનો પણ વિરોધના મૂડમાં આવી ગયા છે અને આગામી દિવસોમાં આ ભાવવધારાને લઇ દેખાવો, ધરણાં-રેલી અને વિરોધના કાર્યક્રમો આપે તેવી શકયતા છે.
અદાણ ગેસ દ્વારા સીએનજી અને પીએનજીમાં કરાયેલા ભાવ વધારા બાદ હવે ગુજરાત ગેસ પણ તેના ભાવોમાં વધારો ઝીંકે તેવી શકયતા પ્રવર્તી રહી છે, તેથી ગુજરાત ગેસના ગ્રાહકો પણ અત્યારથી જ ચિંતિત બન્યા છે. ભાવવધારાના કારણે સામાન્ય લોકોના બજેટ બગડે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે. જુદા જુદા વર્ગ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.