મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્યના સામાન્યમાં સામાન્ય માનવીને-દરેક નાગરિકને વાહનવ્યવહારની સારી અને સરળ સુવિધા મળે તે હેતુસર એસ.ટી.ને નફાનું સાધન નહીં, પણ સેવાનું સાધન બનાવ્યું છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, નફો કરવો તે સરકારનું કામ નથી. સત્તા એ સેવાનું સાધન બને તે માટે અમે બદલાતી ટેક્નોલોજી સાથેનાં નવીન સાધનો અને ટેક્નોલોજીનો વિનિયોગ કરી નાગરિક સેવાઓને વધુ સુદૃઢ બને તે દિશામાં કાર્યરત છીએ.
ભાવનગરના જવાહર મેદાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રૂ. ૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૨૦ બસ સ્ટેશનનું લોકાર્પણ તેમજ રૂ.૩૨.૦૯ કરોડના ખર્ચે ૩ બસ સ્ટેશન અને ૨ સ્ટાફ કોલોનીનું ઈ-તકતી દ્વારા ખાતમુહૂર્ત કર્યું હતું તથા નવીન મીડી બસ, સુપર એક્સપ્રેસ, ગુર્જરનગરી સહિત કુલ ૧૩૧ જેટલી બસ અને ટ્રાફિક એજ્યુકેશન અવેરનેસ મોબાઇલ (્ઈછસ્) વાનનું પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, નફો કરવો હોત, તો આજથી જ થઈ શકે, સરકાર ખોટ કરતાં રૂટ બંધ કરી, નફો કરતાં રૂટ પર બસ દોડાવી શકે, પરંતુ અમારે એ કરવું નથી. અમારે છેવાડાના ગામ સુધી પરિવહનની સેવા ઉપલબ્ધ કરાવવી છે. તેથી જ રાજ્યના દરેક ગામમાં એસ.ટી. બસની ઓછામાં ઓછી એક ટ્રીપ ઉપલબ્ધ બને, તે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવી છે.
તેમણે કહ્યું કે, અગાઉ બસો વિશે જે નકારાત્મક વાત થતી હતી, તેમાં અમારી કાર્યપદ્ધતિ અને જનસેવા દાયિત્વથી હવે સ્થિતિ બદલાઈ છે.
અમે નવી બસો, આધુનિક બસો અને વોલ્વો જેવી અત્યાધુનિક બસો નાગરિકોની સેવા માટે મૂકી છે. બસ સ્ટેશન પણ એરપોર્ટ જેવા સુવિધા સભર આધુનિક બનાવી, બસપોર્ટ બનાવ્યાં છે. આવનારા દિવસોમાં રાજ્યમાં પર્યાવરણપ્રિય જાહેર પરિવહન સેવા માટે ઇલેક્ટ્રિક બસનો પ્રયોગ કરવાની પણ નેમ મુખ્યમંત્રી એ દર્શાવી હતી. દર વર્ષે એસ.ટી. નિગમમાં નવી બસો ઉમેરતા જવા સાથે આઈ.એસ.ઓ સ્ટાન્ડર્ડ પ્રમાણેની બસો ઇનહાઉસ પણ એસ.ટી.ના કર્મયોગીઓ વર્કશોપમાં તૈયાર કરે છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.લોકોને બસની વધુ સારી સુવિધા મળે તે માટે બસમાં જી.પી.એસ. ટ્રેકર લગાવ્યાં છે, જેથી નાગરિકોને બસ ક્યાં છે અને ક્યારે પહોંચશે તેની રીઅલ ટાઇમ જાણકારી મળે તે પ્રકારની જી.પી.એસ. ટેક્નોલોજીનો વિનિયોગ કર્યો છે. બસોનું રીઅલ ટાઇમ મોનિટરિંગ હવે થાય છે એમ તેમણે કહ્યું હતું.
એસ.ટી.માં દરરોજ ૨૫ લાખ લોકો મુસાફરી કરે છે. વિદ્યાર્થીઓ, સિનિયર સિટિઝન્સ, દિવ્યાંગો અને સ્વાતંત્ર્ય સૈનિકોને કન્સેશનની સુવિધા આપી છે. લગ્નપ્રસંગે રૂ.૧૨૦૦ જેટલા ઓછા ભાડામાં ગરીબ મધ્યમવર્ગીય પરિવારોને બસની સુવિધા ઉપલબ્ધ બનાવી છે. આ તકે મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત થનાર અને નવનિર્મિત બસ સ્ટેશન તેમજ સ્ટાફ કોલોની સહિતનાં ૧૩ સ્થળે ઉપસ્થિત પદાધિકારીઓ અને નાગરિકો સાથે સીધો સંવાદ સાધતા જણાવ્યું કે, રાજ્યમાં નવીન બનેલ બસસ્ટેશન બસપોર્ટ પ્રકારના બનાવવામાં આવ્યાં છે, ત્યારે આ બસ સ્ટેશનમાં ગંદકી ન થાય, લોકો પાનની પીચકારી મારીને ગંદકી ન ફેલાવે અને બસ સ્ટેશનને સ્વચ્છ અને ચોખ્ખું બનાવી રાખે તે આપણી સામૂહિક જવાબદારી છે. મુખ્યમંત્રીએ આ અવસરે બસને પ્રસ્થાન કરાવી, બસમાં ચઢીને તેમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પિત થયેલ તેમજ ખાતમુહૂર્ત થયેલ બસ સ્ટેશનમાં સુરત જિલ્લાના માંડવી, બારડોલી(હાઈવે), કડોદરા, ખેડા જિલ્લાના સોજીત્રા, ઠાસરા, ડાકોર, મહિસાગર જિલ્લાના બાલાસિનોર, આણંદ, અમદાવાદના વિરમગામ, મોરબી(જૂનુ), સુરેન્દ્રનગર જિલ્લાના લખતર, ધ્રાંગધ્રા, ભાવનગર જિલ્લાના ગઢડા, મહેસાણા, જામનગર જિલ્લાના જામજોધપુર, અમરેલી જિલ્લાના દામનગર, ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા, પંચમહાલ જિલ્લાના શહેરા અને વેજલપુર તથા સાબરકાંઠા જિલ્લાના માલપુર ખાતે મળીને રૂપિયા બાવન કરોડના ખર્ચે તૈયાર થયેલા કુલ ૨૧ નવીન બસ સ્ટેશનનો સમાવેશ થાય છે તથા સ્ટાફ કોલોનીમાં રૂ.૩૨.૦૯ કરોડના ખર્ચે ભાવનગર, ભરૂચ અને સુરેન્દ્રનગર ખાતે તૈયાર થયેલ બસ સ્ટેશન તથા ભુજ-અમરેલી સ્ટાફ કોલોનીનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં મંત્રી આર.સી.ફળદુ, જીતુભાઇ વાઘાણી, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, ભાવનગરના સાંસદ ડૉ.ભારતીબેન શ્યાળ, મેયર મનહરભાઈ મોરી, જિલ્લા પંચાયતનાં પ્રમુખ વક્તુબેન મકવાણા, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય સર્વ કેશુભાઈ નાકરાણી, આર.સી. મકવાણા, મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અગ્રસચિવ સુનયના તોમર, એસ.ટી. નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક સોનલ મિશ્રા, કલેક્ટર હર્ષદ પટેલ, મહાપાલિકા કમિશનર એમ.એ. ગાંધી, જિલ્લાના હોદ્દેદારો તથા પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ ભાવનગરની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.