મંત્રી કુંવરજી બાવળીયાના વરદ હસ્તે ગઢડા એસ.ટી. ડેપોનું લોકાર્પણ કરાયું

645

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. નિગમના સમગ્ર રાજ્યમાં નિર્માણ કરવામાં આવેલ નવીન એસ.ટી. ડેપો પૈકી ૨૧ એસ.ટી. ડેપોનો લોકાર્પણ સમારોહ ભાવનગર જવાહર મેદાન ખાતે મુખ્યમંત્રીના વરદ હસ્તે ઇ-તક્તી દ્વારા યોજવામાં આવ્યો હતો. આ લોકાર્પણ સમારોહ દરમ્યાન ૩ બસ સ્ટેશન, ૨ સ્ટાફ કોલોનીના ખાતમુહૂર્ત તથા નવીન મીની બસ, સુપર એક્સપ્રેસ તથા ગુર્જરનગરી બસ ટ્રાફીક એજ્યુ. અવેરનેસ મોબાઇલ વાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ લોકાર્પણ અનુસંધાને ગઢડા (સ્વામીના) મુકામે સ્થાનિક કક્ષાએ લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ દરમ્યાન રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે મંત્રી કુંવરજી બાવળીયા તથા પૂર્વ મત્રી આત્મારામભાઇ પરમાર દ્વારા રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન અગ્રણીઓ જિલ્લા પ્રમુખ સુરેશભાઇ ગોધાણી, માર્કેટયાર્ડ ચેરમેન કીરીટભાઇ હુંબલ, જિલ્લા દુધ સંઘ ચેરમેન ભોળાભારી રબારી, લીગલ સેલના હરેશભાઇ સોઢાતર, શહેર પ્રમુખ વિજયભાઇ પટેલ, રમત ગમત સેલના જયરાજભાઇ પટગીર સહિત, નગર પ્રમુખ મુકેશભાઇ હિહોરીયા તથા કોર્પોરેટરો અને નગરજનો બહોલી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમ્યાન ઉદ્દબોધન કરતા અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભૂતકાળના એસ.ટી. ડેપોની અને એસ.ટી. બસોની ખખડધજ વ્યવસ્થાનો દરેકે અનુભવ કર્યો છે. ત્યારે હાલના સમયમાં રાજ્ય સરકાર દ્વારા એસ.ટી.ડેપો અને તંત્રને ધરખમ સુધારા સાથે ઉંચાઇ સુધી લઇ જવાનો પ્રયત્ન વિકાસના રસ્તે થઇ રહેલા પરિવર્તનની ઝાંખી છે. સમગ્ર સમારોહને સફળ બનાવવા માટે ગોધરા ડી.સી.ડિૅડોડ, ગઢડા ડેપો મેનેજર રામદેવસિંહ ગોહિલ તથા પી.પી.પરમારે સંકલન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમના ઉદ્દઘોષક તરીકે ભરતભાઇ રાવળ તથા પિનાકીનભાઇ જોશીએ સેવા પૂરી પાડી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleબરવાળાના ટીંબલા ગામની શાળામાં ધો.૬ થી ૮ બંધ કરાતા ગ્રામજનો દ્વારા શાળાને તાળા બંધી કરાઈ