ભાવનગર ખાતે રૂ.૧૦.૬૫ કરોડના ખર્ચે બનનાર અત્યાધુનિક બસ સ્ટેશનનુ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ખાતમુહુર્ત કર્યુ હતુ.
આ ખાતમુહુર્ત પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ,રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, ભાવનગર સંસદસભ્ય ભારતીબેન શિયાળ, ભાવનગર (પશ્ચિમ) ધારાસભ્ય જીતેન્દ્ર એસ વાઘાણી, ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ સુનયના તોમર, વાહન વ્યવહાર કમિશનર સોનલ મિશ્રા, ભાવનગર રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ,જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, મહાનગરપાલિકાના કમિશ્નર એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી વરૂણ બરનવાલ, સહિત વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આશરે રૂ. ૧૦૬૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર આ નવીનત્તમ મધ્યસ્થ બસ સ્ટેશન કુલ ૨૭,૪૦૪ ચો.મી. જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલું હશે. જેના પર ૨૪૭૫.૮૫ ચોમી વિસ્તારમાં આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળું બસ સ્ટેશનનું બિલ્ડિંગ ઊભું થશે. રાજ્યમાં તેમજ આંતરરાજ્ય પરિવહન માટે અહીં વિવિધ ૧૮ જેટલાં પ્લેટફોર્મનું નિર્માણ કરવામાં આવશે.
આ નવીનત્તમ બસ સ્ટેશન પર મુસાફરોને લગતી આધુનિક સુવિધાઓ માટે કુલ ૧૧૮૮ ચો.મી જગ્યા પર મુસાફરો માટે વિશાળ વેઇટિંગ હોલ, ૩૪.૦૮ ચો.મીમાં વી.આઈ.પી વેઇટિંગ લૉન્જ, ૩૬ ચો.મીમાં લેડીઝ રેસ્ટરૂમ, તેમજ ૧૮૬.૫૬ ચોમીમાં ડ્રાયવર અને કન્ડક્ટર માટેનો રેસ્ટરૂમ પણ બનાવવામાં આવનાર છે. આ સિવાય નાનાં બાળકો માટેનો ચાઇલ્ડ કેર રૂમ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત, મુસાફરોની સુવિધા માટે કિચન સાથેની કેન્ટીન તેમજ અન્ય ૧૭ જેટલા સ્ટોલ્સ પણ ઉભા કરવામાં આવશે.