રવિવારે મહિસાગર જિલ્લામાં એક ચત્કારિક ઘટના સામે આવી હતી. અહીંના એક ગામમાં આવેલા ખોડિયાર માતાના મંદિરમાં ચોરીની ઘટના બની હતી. ચોરી થયાના કલાકો બાદ મંદિરમાં મગર ઘુસી જતા ગ્રામજનોમાં આશ્ચર્ય ફેલાયું હતું. મગરના દર્શન કરવા માટે થોડી જ વારમાં મંદિરમાં લોકો એકઠા થઈ ગયા હતા. મહિસાગર જિલ્લાના પલ્લા ગામમાં આવેલા ખોડિયાર મંદિરમાંથી ચોરો પૈસાથી ભરેલી દાનપેટીમાં હાથ સાફ કરી ગયા હતા. માતાજીના મંદિરમાં આ રીતે ચોરીની ઘટના બની તેના થોડા જ કલાકો બાદ મંદિરમાં મગર દેખાયો હતો. મંદિરમાં મગર દેખાવાની વાત મળતા જ ગ્રામજનો તેને માતાજીને ચમત્કાર માનીને દોડી આવ્યા હતા. મંદિરમાં મગરને જોવા માટે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. મંદિરમાં રહેલા મગરને માતાજીએ મોકલ્યો હોવાનું માની તેને ચમત્કાર સમજીને લોકોએ મગર પર કંકુ ફેંક્યું હતું. તો કેટલાક લોકો તેના દર્શન કરવાનો લાભ લીધો હતો. જોકે મંદિરમાંથી દાન પેટી કોણે અને કઈ રીતે ચોરી તે મામલે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.