૨૦૧૭ના ચોમાસની સિઝનમાં રાજસ્થાનમાં મેઘરાજા મહેરબાન થતા ગાંધીનગરનો સંત સરોવર ડેમ નિર્માણ બાદ પ્રથમ વખત છલોછલ થઇ ગયું હતું. જુલાઇ ૨૦૧૭માં સંત સરોવરમાં ૧૦ મિલિયન ક્યુબિક મીટર (સ્ઝ્રસ્) પાણીનો સંગ્રહ થયો હતો.
જોકે ૨૦૧૮માં ચોમાસુ નિષ્ફળ ગયુ હતું, જેના કારણે ફેબ્રુઆરી-૨૦૧૯થી સંત સરોવરમાં પાણીનું એક ટીંપુ પણ બચ્યુ નથી. ત્યારે હવે આ વર્ષે સંત સરોવર વધુ એક વખત છલકાશે કે અધૂરો રહેશે તેનો મદાર મેઘાની મહેર પર છે. ત્યારે આ વિસ્તારના લોકો આ વખતે સારા વરસાદની આશા રાખી રહ્યા છે.
૨૦૧૬માં પ્રથમ વખત સંત સરોવરમાં પાણી આવ્યા બાદ ૨૦૧૭માં તે છલકાયો હતો ત્યારે બે વર્ષ સુધી સંત સરોવર ગાંધીનગરના લોકો માટે પિકનિક પ્લેસ જેવો બની ગયો હતો. જોકે ગતવર્ષે મોતની બે ઘટનાઓ બાદ નીચેનો વિસ્તાર પ્રતિબંધિત જાહેર કરી દેવાયો છે અને હાલ અહીં સિક્યુરિટી ગાર્ડ મુકી દેવાયા છે.
જો આ વર્ષે મૂશળધાર વરસાદ થશે તો વધુ એક વખત સંત સરોવરમાં પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગાંધીનગર શહેર અને પેથાપુરને લાભ મળશે.
આ ઉપરાંત નદીના ઉત્તર અને દક્ષિણના કાંઠાના ૧૬ ગામના બોરકૂવા પણ રિચાર્જ થશે. તેમાં લેકાવાડા, ધરમપુર, દોલારાણા વાસણા, સાદરા, માઘુગઢ, અલુવા, પિંપળજ, પેથાપુર, પાલજ, બાસણ, બોરીજ, ઇન્દ્રોડા, ધોળાકૂવા, શાહપુર, કોબા અને ભાઇજીપુરા ગામનો સમાવેશ થાય છે. ૨૦૧૭માં ડેમ ફુલ થતા આસપાસના ગામોમાં પાણીના તળ ૨૦થી ૫૦ ફૂટ ઉચા આવ્યા હતા.