પરિવારવાદને લઈને સામાન્ય રીતે બીજા રાજકીય પક્ષો ઉપર આક્ષેપ બાજી કરનાર માયાવતીએ બહુજન સમાજ પાર્ટીના સંગઠનમાં ધરખમ ફેરફાર કરીને પોતાના પરિવારના લોકોને વધારે પ્રાથમિકતા આપી છે. જેથી માયાવતી પોતે પણ પરિવારવાદમાં આવી ગયા છે. માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને નૈશનલ કોઓર્ડિનેટર તરીકેની જવાબદારી સૌંપી દીધી છે. જ્યારે નાના ભાઈ આણંદ કુમારને પાર્ટીના રાષ્ટ્રીય નાયબ અધ્યક્ષ બનાવી દીધા છે. આકાશ આનંદની એન્ટ્રીથી બહુજન સમાજ પાર્ટીમાં કેટલાક ફેરફાર થઈ રહ્યા છે. બહુજન સમાજ પાર્ટીના વડાની જાહેરાત બાદ આકાશ આનંદ હવે પાર્ટીને રાષ્ટ્રીય સ્તર પર મજબુત કરવાનુ કામ કરશે. સામાન્ય રીતે મીડિયા અને સોશ્યલ મીડિયાથી દુર રહેનાર માયાવતી પોતાના ભત્રીજા આકાશ આનંદના કહેવાથી ટિ્વટર પર આવ્યા છે. લોકસભા ચૂંટણીથી પહેલા એકાઉન્ટ બનાવીને સક્રિય થયા હતા. માયાવતી હવે ટિ્વટર મારફતે વિપક્ષ ઉપર પ્રહાર કરે છે. આકાશ હવે પાર્ટીને યુવા દ્રષ્ટિ કોણથી આગળ વધારવા કામ કરશે. વિધાનસભા પેટા ચૂંટણી માયાવતી માટે પ્રતિષ્ઠાજનક બની ગઈ છે. કારણ કે હાલમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીએ સમાજવાદી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી હતી પરંતુ માયાવતીને માત્ર ૧૦ સીટો મળી છે. ૨૦૧૪ની ચૂંટણીમાં માયાવતીને એક પણ સીટ મળી ન હતી.
બેઠકમાં દાનિશ અલીને લોકસભામાં બસપા નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રામજી ગૌતમને પણ નેશનલ કોઓર્ડિનેટરની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પહેલાં બેઠકમાં સામેલ થનારા પદાધિકારીઓના મોબાઈલ, બેગ, પેન અને કારની ચાવી સુધીની વસ્તુઓ બહારે રખાવી દીધી હતી. આકાશ આનંદ માયાવતીના ભાઈ આનંદ કુમારના પુત્ર છે. લંડનથી એમબીએ કરનારા આકાશે બીએસપી પાર્ટીમાંથી ૨૦૧૭માં રાજકારણમાં ઝંપલાવ્યું હતું. માયાવતીએ ૨૦૧૭માં ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ સહારનપુરની રેલીમાં તેમને લોન્ચ કર્યા હતા. તાજેતરમાં જ થયેલી લોકસભા ચૂંટણીમાં પણ આકાશ માયાવતી સાથે રેલી અને કાર્યક્રમોમાં જોવા મળ્યા હતા. આનંદ કુમાર માયાવતીના નાના ભાઈ છે. તેઓ એક જમાનામાં નોઈડામાં કારકુન હતા. તેમની પર છેતરપિંડી કરી નકલી કંપની બનાવી કરોડો રૂપિયાની લોન લેવા અને પૈસાને રિયલ સ્ટેટમાં રોકીને નફો કમાવવાનો આરોપ છે. આનંદ કુમાર પહેલી વખત ત્યારે ચર્ચામા આવ્યા હતા જ્યારે નોટબંધી બાદ તેમના ખાતામાં ૧.૪૩ કરોડ રૂપિયા જમા થયા હતા. ઈનકમ ટેક્સ અને ઈડ્ઢ આવક કરતા વધારે સંપત્તિના કેસમાં તપાસ કરી રહ્યાં છે. લોકસભા ચૂંટણીમાં બસપાએ સપા અને આરએલડી સાથે ગઠબંધન કર્યુ હતુ, ૮૦ બેઠકો વાળા યુપીમાં ભાજપ અને તેના સહયોગી પાર્ટીએ ૬૪ સીટો પર જીત મેળવી હતી. તો બીજી બાજુ બસપા ૧૦ અને સપા ૫ બેઠકો જીતી શકી હતી. ગત લોકસભા ચૂંટણીમાં બસપા ઉત્તરપ્રદેશમાં ખાતું પણ ખોલાવી શક્યું ન હતું. બેઠકમાં હાજર સૂત્રોએ જણાવ્યું કે, બેઠકમાં ઉત્તરપ્રદેશની ૧૧ સીટો પર થનારી પેટાચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જો કે મળતી માહિતી પ્રમાણે, બસપા મોટાભાગની બેઠકો પર ઉમેદવાર પહેલાથી જ નક્કી કરી ચુકી છે. તેમ છતા ફીડબેકના આધારે ઘણી બેઠકોમાં ફેરફાર કરી છેલ્લું લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ઉમેદવારોના લિસ્ટની સત્તાવાર જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.