બોટાદમાં પિતા-પુત્રની હત્યા : પૌત્રી ઘાયલ

890

બોટાદ શહેરમાં આવેલી નગીના મસ્જીદ પાસે સંધીવાડામાં રહેતા મુસ્લીમ પરિવાર ઉપર મકાન બાબતે યુવાને હુમલો કરી આડેધડ છરીઓનાં ઘા ઝીંકી પિતા-પુત્રની હત્યા કરી પૌત્રી વચ્ચે પડતા તેને પણ ગંભીર ઇજા કરી નાસી છૂટ્યો હતો જેને પોલીસે ગણતરીની મીનીટોમાં ઝડપી લીધો હતો.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બોટાદ શહેરનાં નગીના મસ્જીદ પાસેનાં સંધીવાડામાં રહેતા નુરાભાઇ અલારખભાઇ જોખીયા (ઉ.વ.૭૫)ના મકાનમાં મોડી સાંજના સમયે જાવેદ ગુલમહંમદ જાખરા નામનો યુવાન મકાન બાબતનાં ઝઘડા સંદર્ભે છરી સાથે ધસી આવ્યો હતો અને નુરાભાઇ (ઉ.વ.૭૫) તથા તેનો પુત્ર ફિરોઝભાઇ નુરાભાઇ (ઉ.વ.૪૮) ઉપર આડેધડ છરીઓના ઘા ઝીંકી દેતા નુરાભાઇની પૌત્રી સલમા ફીરોઝભાઇ (ઉ.વ.૧૮) વચ્ચે પડતા તેને પણ છરી વડે ગંભીર ઇજા કરી નાસી છુટ્યો હતો.

ઘટના સ્થલે નુરાભાઇ તથા તેના પુત્ર ફિરોજભાઇનાં મોત થયા હતા. જ્યારે સલમાને ગંભીર ઇજા થતા તેને પ્રથમ બોટાદ બાદ વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી.હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ. બનાવની જાણ થતા લોકોનાં ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જ્યારે પોલીસને જાણ કરાતા એસ.પી. સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી લાશને પી.એમ. અર્થે હોસ્પીટલ ખસેડાઇ હતી અને આરોપીને ઝડપી લેવા તાત્કાલીક કવાયત કરીને ગણતરીની મીનીટોમાં આરોપી જાવેદ ગુલમહંમદ જાખરાને ઝડપી લીધો હતો.

Previous articleરથયાત્રા સંદર્ભે વાહન ચેકીંગ
Next articleકરીના અને આમીર ખાન ફરી એકસાથે જોવા મળશે