ભાવનગર મહાનગર પાલિકા દ્વારા પ્લાસ્ટિકનાં ઝબલા સહિતનાં ઉપીયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્ય છે બે ચાર દિવસ કડકાઈ રહ્યા બાદ હાલમાં શહેરભરમાં વેપારીઓ દ્વારા બે રોકટોક રીતે પ્રતિબંધ પ્લાસ્ટિકનો ઉપીયોગ કરવામાં આવી રહ્ય છે. જ્યારે તંત્ર દ્વારા આરંભે સૂરા માફક શરૂઆતમાં કડક ચેકીંગ કરીને કેટલાક વેપારીઓને દંડીત કરી કામગીરી કર્યાનો સંતોષ માન્યો હતો.
શહેરભરમાં પ્લાસ્ટીકનાં ઉપીયોગ પર તંત્ર દ્વારા પ્રતિબંધિત મુકવામાં આવ્યો છે અને તેનો ઉપીયોગ કરનાર વેપારીઓ સામે દંડનીય કાર્યવાહીની ચીમકી આપ્યા બાદ ટીમો બનાવીને ચેકીંગ પણ કરવામાં આવેલ અને હજારો રૂપીયાનો નાના વેપારીઓ પાસેથી દંડ પણ વસુલ કરવામાં આવેલ આ ઉપરાંત બંદર રોડ ઉપર પ્રતિંબધીત પ્લાસ્ટિક માલનું ઉત્પાદન કરતી ફેકટરીઓ પણ સીલ કરાવમાં આવી છતાં હજુ પ્લાસ્ટીકનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે.
શહેરનાં શાક માર્કેટ, આંબાચોક સહિતનાં વિસ્તારોમાં વેપારીઓ બે રોકટોક પણે પ્લાસ્ટિકનાં ઝબલાનો ઉપીયોગ કરી રહ્યા છે. તો શહેરની મોટાભાગની પાનની દુકાનોમાં માવાના પ્લાસ્ટીક અને ચાની લારીઓમાં પ્લાસ્ટીકનાં કપનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે શહેરમાંથી પ્લાસ્ટીકનાં ઉપયોગને બંધ કરાવવા તંત્ર દ્વારા મોટી વેપારીઓ અને ઉત્પાદકો સુધી પહોચવુ જરૂરી બન્યુ છે. આ ઉપરાંત ચેકીંગ કામગીરી પણ વધુ કડક બનાવવી જરૂરી બન્યું હોવાનું મનાઈ રહ્યુ છે.