રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા બનાવટી પેકેજ્ડ મીનરલ ડ્રીન્કીંગ વોટર વેચાતું અને ઉત્પાદન થતું હોવાની ફરિયાદ મળેલી હતી જે અન્વયે ફૂડ વિભાગની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન વિગતો બહાર આવી કે, કોઇ પણ પ્રકારની મંજૂરી વિના મિનરલ વોટરની બોટલો તૈયાર કરવામાં આવતી હતી. આ ફૂડ બિઝનેસ દિવ્યેશ પી. ભટ્ટ નામનો વ્યક્તિ ચલાવે છે તેમ ખુલ્યું છે અને નિયતી બ્રાન્ડથી પાણીની બોટલો વેચે છે.
રાજકોટ મહાનગર પાલિકાનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર, સ્થળ તપાસમાં નીચેની વિગતો જાણવા મળી છે. પેકેજડ મીનરલ ડ્રીન્કીંગ વોટર બનાવવા માટે સ્થળ પરના બોરના પાણીનું પરીક્ષણ કરાવેલું નથી.
પેકેડ પાણીની બોટલ પર કોઈ પણ જાતની મંજુરી વગરના ફૂડ લાયસન્સ તથા બીઆઈએસના આઈએસઆઈ નંબર દર્શાવી લોકોના આરોગ્ય સાથે છેતરામણી કરેલી છે.
આ કામગીરી અંદાજીત બે થી ત્રણ માસથી આ સ્થળે ચાલે છે. દરરોજના અંદાજીત ૭૦ થી ૧૦૦ પાણીની બોટલના કાર્ટુન વેચાણ કરવામાં આવે છે.