જામનગરમાં એક બાળકીના અપહરણની ફરિયાદ સામે આવી છે.
આ ઘટનામાં બાળકીના માતા પિતા સાથે તેમની બાળકી વિખૂટી પડી ગઇ હતી. ત્યારબાદ બાળકી જામનગરના લખોટા તળાવ પાસેથી અપહરણ થયાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
પોલીસે આ ઘટનામાં ફરિયાદના આધારે તપાસ કરતા સામે આવ્યું હતું કે, અઢી વર્ષની બાળકીને કોઇ અજાણી મહિલા સાથે લઈ જતી દેખાઇ રહી છે. આ સાથે એક મહિલા અન્ય એક બાળક સાથે બાળકીને હાથ પકડી દોરી જતી દેખાઈ રહી છે. પોલીસે હાલ આ દિશામાં શોધખોળ હાથ ધરી છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, જામનગરમાં રહેતા ઘનશ્યામભાઇની પત્ની બાળકો સાથે રવિવારે સાંજે ફરવા લાખોટા તળાવે ગયા હતા. ત્યારે તેમની અઢી વર્ષની જીયા નામની દીકરીને અજાણી મહિલાએ અપહરણ કર્યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.
પોતાની દીકરી ગુમ થયા બાદ ઘનશ્યામભાઇએ આ અંગે જામનગર સિટી એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે લખોટા તળાવના સીસીટીવી તપાસ્યા તો સામે આવ્યું હતું કે, લાખોટા તળાવના ગેટ નં.૪ પરથી જીયાને અજાણી મહિલા ઉપાડી ગઇ હતી. સીસીટીવીમાં મહિલાની એક આંગળીએ જીયા જોવા મળે છે અને બીજી આંગળીએ એક બાળક જોવા મળી રહ્યો છે અને ચાલીને લઇ જઇ રહી છે.