રાજ્યમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે તો અનેક જગ્યાએ બફારની સ્થિતિ છે તો અનેક જગ્યાએ વરસાદે માજા મુકી હતી. ગઇકાલે મોડી રાતે અમદાવાદમાં ગાજવીજ સાથે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. જ્યારે ડાંગ, અરવલ્લીનાં વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. સુરતમાં રવિવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૨૪ કલાકમાં ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પણ વિધિવત રીતે બેસી જશે.
જો નોંધાયેલ વરસાદની વાત કરીએ તો ગઇકાલે અરવલ્લીનાં મોડાસામાં વરસાદને કારણે દીવાલ ધરાસાઇ થઇ ગઇ હતી. શહેરની બાલાજી સોસાયટીમાં ત્યાં પાર્ક કરેલી બે ગાડીઓ પર દીવાલ પડી હતી. દીવાલ પડતા સોસાયટીનો રસ્તો પણ બંધ થઇ ગયો હતો.
અરવલ્લી જિલ્લામાં રાત્રી દરમ્યાન ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી છૂટકારો મળ્યો હતો. બાયડનાં મોડાસામાં ૧.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મેઘરજ, માલપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ભિલોડામાં ૯ મીમિ અને ધનસુરામાં ૨ મિમી વરસાદ નોંધાયો છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો છે.