બિહારમાં ચમકી તાવથી બાળકોના થઇ રહેલા મોતના મામલે સુપ્રીમ કોર્ટ ભારે લાલઘુમ છે. સુપ્રીમ કોર્ટે હવે લાલ આંખ કરીને કેન્દ્ર સરકાર, બિહાર અને યુપી સરકાર પાસેથી સાત દિવસમાં જવાબની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે તાવને રોકવા માટે લેવામાં આવેલા પગલા અંગે તમામ માહિતી આપવા રાજ્ય સરકારને સાત દિવસની અંદર એફિડેવિટ રજૂ કરવા માટેનો આદેશ કર્યો છે. મનોહર પ્રતાપ અને સનપ્રીત સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વેળા આ મુજબના આદેશ આપ્યા છે. અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજી કરનાર લોકોએ દાવો કર્યો હતો કે સરકારી વ્યવસ્થા આ તાવનો સામનો કરવામાં બિલકુલ નિષ્ફળ છે. સુપ્રીમ કોર્ટે મોતના મામલે બિહાર, કેન્દ્ર સરકાર અને ઉત્તરપ્રદેશ સરકારને સાત દિવસની અંદર જવાબ આપવા માટે કહ્યુ છે. સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્ર સરકારને પિડિત બાળકોની સારવાર માટે કરવામાં આવેલી વ્યવસ્થા, હોસ્પિટલની સુવિધા, પોષણને લઇને સ્થિતી તેમજ સાફ સફાઇ અંગે માહિતી આપવા માટેના આદેશ કર્યા છે. અરજી કરનાર લોકોની દલીલ છે કે ચમકી તાવના કારણે થઇ રહેલા બાળકોના મોતના મામલે અસરકારક પગલા લેવામાં સરકાર નિષ્ફળ રહી છે.દેશની સુપ્રીમ કોર્ટે બાળકોના મોતને ગંભીર મામલા તરીકે ગણીને સખ્ત ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યુ છે કે બાળકોના મોતનો સિલસિલો એમ જ જારી રહે તે યોગ્ય નથી. આને રોકવા માટે ઝડપી અને અસરકારક પગલા જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિહારમાં તાવના કારણે ૧૫૦થી વધુ બાળકોના મોત થઇ ચુક્યા છે. મોટા ભાગના બાળકો ગરીબ પરિવાર સાથે જોડાયેલા છે.એફિડેવિટ દાખલ કરીને કેન્દ્ર સરકાર, બિહાર સરકાર અને સંબંધિત વિભાગે ક્યા પગલા લીધા છે તે બાબત રજૂ કરવાનો સમય છે. બિહાર સરકાર તાવને રોકવા માટે દવાની ઉપલબ્ધતા અંગે પણ માહિતી આપે તે જરૂરી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે બિહારમાં તાવના કારણે હજુ સુધી ૧૫૦થી વધુ લોકોના મોત થયા છે.
સેંકડો લોકો હજુ પણ સારવાર હેઠળ છે. બિહારમાં નિતીશ કુમાર સરકાર પર ઉદાસીનતા રાખવા બદલ વિરોધ પક્ષો પ્રહાર કરી રહ્યા છે.
અરજી કરનાર લોકો દ્વારા તરત જ મેડિકલ બોર્ડની રચના કરવા માટેની પણ માંગ કરી છે. જો કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને સાત દિવસમાંજવાબ આપવા માટે સુચના આપી છે.