કોંગ્રેસ સાથે છેડો ફાડી લોકસભા ચૂંટણીમાં નુકસાન કરાવનાર અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદને ગેરલાયક ઠેરવવા કોંગ્રેસે આખરે કાનૂની સહારો લીધો છે.
કોંગ્રેસ દ્વારા અલ્પેશનું ધારાસભ્યપદ ગેરલાયક ઠેરવવા ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. જેની સુનાવણીમાં હાઇકોર્ટે આજે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, વિધાનસભા અધ્યક્ષ સહિતના સંબંધિત પક્ષકારોને નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી તા.૨૭મી જૂનના રોજ મુકરર કરી છે. કોંગ્રેસ દ્વારા કરાયેલી રિટ અરજીમાં આજે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને નોટિસ જારી થતાં ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો હતો. કોંગ્રેસના પ્રતિક પરથી ચૂંટાયેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી સત્તાવાર રાજીનામું આપ્યુ હોઇ ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠરાવવા કોંગ્રેસ તરફથી દાદ માંગવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત તા.૬-૪-૨૦૧૯ના રોજ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પક્ષ છોડવાની જાહેરાત કર્યાના ચાર દિવસ બાદ તા.૧૦ મી એપ્રિલે કોંગ્રેસને રાજીનામું મોકલ્યું હતું. જેમાં તેણે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું પરંતુ પોતાનું ધારાસભ્ય પદ ચાલુ રાખ્યું હતું. લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારના સમર્થનમાં બનાસકાંઠાના દિયોદરમાં સભા કરતાં પક્ષ વિરોધી કાર્યને પગલે કોંગ્રેસ તેની સામે પગલાં લેવાનો નિર્ણય લઈ તેને બિહારના સહપ્રભારી પદેથી હટાવ્યો હતો. પાટણ, બનાસકાંઠા બેઠક પર લોકસભામાં કપરાં ચઢાણ જોતા ભાજપે છેલ્લી ઘડીએ અલ્પેશને ભાવ આપવાની ફરજ પડી હતી. ઉત્તર ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીએ પુનઃ ઓપરેશન બનાસ સક્રિય કરીને ખેલ પાડી અલ્પેશને ભાજપ તરફી કર્યો હતો અને છેલ્લા બે દિવસ તેણે ભાજપનો પ્રચાર કર્યો હતો.
કોંગ્રેસે ઠાકોર જૂથને રાજી રાખવા અલ્પેશને બિહારનું પ્રભારીપદ આપવા ઉપરાંત ચૂંટણીલક્ષી દરેક સમિતિમાં સ્થાન આપ્યું હતું. એ પછી પણ અલ્પેશે નાક દબાવવાનું ચાલુ રાખી લોકસભાની બે બેઠક, પોતાની પત્ની માટે પાટણ અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ માટે સાબરકાંઠાની માગણી કરી હતી. કોંગ્રેસે અલ્પેશની અમર્યાદ મહત્વાકાંક્ષાને પારખીને તેનો છેદ ઊડાડી દીધો હતો. જેને પગલે તેણે કોંગ્રેસમાં બળવો કર્યો હોવાનું રાજકીય ચર્ચાઓ જોરશોરથી ચાલી હતી. બીજીબાજુ, પાટીદાર અનામત આંદોલનથી ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ ચહેરો બનેલો હાર્દિક પટેલ આખરે કોંગ્રેસમાં જોડાયો હતો. હાર્દિકના કોંગ્રેસમાં જોડાવાથી અલ્પેશ જૂથનું મહત્વ ઘટી ગયું હતું. જેને પગલે ગુજરાત કોંગ્રેસમાં નવી ઘર્ષણ રેખા તણાઈ હતી. જેમાં એકતરફ હાર્દિક પટેલ અને બીજી તરફ અલ્પેશ ઠાકોર હતો. બંને યુવા નેતાઓની અત્યંત મહત્વકાંક્ષીના કારણે ગુજરાત કોંગ્રેસમાં સત્તાની સાઠમારી શરૂ થઈ હતી.
કોંગ્રેસથી છેડો ફાડ્યા બાદ તેની ભાજપના નેતાઓ સાથે સમયાંતરે મુલાકાત વધી રહી છે. ત્યારે ઠાકોર સેનાના આગેવાનો સાથે આગામી તા.૨૯-૩૦ જૂને બેઠક કરીને ભાજપમાં જોડાવવા અંગે નિર્ણય લઈ શકે છે. જો કે ઠાકોર સેના તેને સંગઠન મજબૂત કરવાની બેઠક ગણાવતો દાવો કરી રહ્યું છે.