રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા જાહેર થયેલા કોંગ્રેસના નેતા અહમદ પટેલની જીતને પડકારતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ઈલેક્શન પિટિશનમાં આજે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને રાજયસભા સાંસદ એહમદ પટેલની અધૂરી રહેલી જુબાનીનો તબક્કો આગળ ધપ્યો હતો અને રાજયસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને બેંગ્લુરૂ ખાતેના ઇગલટન રિસોર્ટમાં રાખવા સહિતના વિવિધ મુદ્દાઓ પર એહમદ પટેલની જુબાની લેવાઇ હતી.
એહમદ પટેલે જુબાની દરમ્યાન એક તબક્કે આક્ષેપ કર્યો હતો કે, રાજયસભાની ચૂંટણી દરમ્યાન ભાજપ અને બળવંતસિંહે કોંગ્રેસના છ ધારાસભ્યોના રાજીનામા પડાવ્યા હતા અને કોંગ્રેસના આઠ ધારાસભ્યોને ક્રોસવોટીંગ કરાવ્યું હતું. આજે એહમદ પટેલની જુબાની કોર્ટ સમય પૂર્ણ થયા બાદ પણ ચાલુ રહી હતી, જેને લઇ આજે આ કેસની મહત્વપૂર્ણ સુનાવણી સાંજે પોણા સાત વાગ્યા સુધી ચાલી હતી. આવતીકાલે એહમદ પટેલની જુબાની અને ઉલટતપાસ ચાલુ રહેશે.
ઓગસ્ટ-૨૦૧૭માં રાજયસભાની ચૂંટણી દરમ્યાન ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને તોડાય નહી તેની વ્યૂહરચનાના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પહેલા તેના ૪૦થી વધુ ધારાસભ્યોને કર્ણાટકના બેંગ્લુરૂ ખાતેના ઇગલટન રિસોર્ટમાં લઇ જવાયા હતા અને તેમને ત્યાં જ રખાયા હતા અને ત્યાંથી ચૂંટણીના દિવસે તા.૮મી ઓગસ્ટે સીધા મતદાન માટે લાવવામાં આવ્યા હતા, જે મહત્વના મુદ્દાઓ પર આજે બળવંતસિંહના વકીલ દ્વારા કોંગ્રેસના અહમદ પટેલની જુબાની લઇ તેમની ઉલટતપાસ કરવામાં આવી હતી. એહમદ પટેલને બળવંતસંહના વકીલે પૃચ્છા કરી કે, તમે કોંગ્રેસના ધારાસભ્યોને એરપોર્ટ પર લેવા ગયા હતા, જેના જવાબમાં તેમણે જણાવ્યું કે, ના હું, તેઓને લેવા એરપોર્ટ પર ગયો ન હતો. ધારાસભ્યો સાથે તેમણે બેઠક યોજી હતી કે, વાત કરી હતી તે મુદ્દે પણ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેમણે કોઇ ધારાસભ્યો સાથે વાત કરી ન હતી કે બેઠક યોજી ન હતી.
માત્ર ચૂંટણીના એક દિવસ પહેલાં એટલે કે, તા.૭મી ઓગસ્ટે તેમણે આણંદ ખાતે ધારાસભ્યો સાથે વાતચીત કરી હતી. એહમદ પટેલે જુબાની દરમ્યાન એક તબક્કે આક્ષેપ કર્યો હતો કે, રાજયસભાની ચૂંટણી દરમ્યાન ભાજપ અને બળવંતસિંહે કોંગ્રેસના છ ધારાસભ્યોના રાજીનામા પડાવ્યા હતા અને કોંગ્રેસના આઠ ધારાસભ્યોને ક્રોસવોટીંગ કરાવ્યું હતું. આજે કોર્ટ સમય પર્ણ થઇ ગયો તેમછતાં એહમદ પટેલની જુબાની અને ઉલટતપાસ મોડે સુધી સાંજે પોણા સાત વાગ્યા સુધી ચાલ્યા હતા અને હવે આવતીકાલે પણ આ સુનાવણી ચાલુ રહેશે. અહેમદ પટેલની જુબાની હજુ પણ જારી રહેનાર છે.