સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં આજે રાજયની ૧૪૨૩ ગ્રામ પંચાયતોમાંથી કુલ ૨૭૦ સમરસ જાહેર થયા બાદ ૧૧૫૩ ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાઇ હતી, જે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. ગ્રામ પંચાયતોની આજની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના મતદારોએ ભારે ઉત્સાહ સાથે ઉંચુ અને વિક્રમી મતદાન કરી શહેરી વિસ્તારની પ્રજાને શરમાવી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૭૫ ટકાથી વધુ મતદાન નોંધાયું હતુ. ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ ખેતરો-ઘરના કામકાજ પડતા મૂકીને પણ મતદાન માટે ભારે ઉત્સાહ સાથે આગળ આવી હતી અને નોંધનીય મતદાન કર્યું હતું. રાજયની કુલ ૧૪૨૩ ગ્રામ પંચાયતો પૈકી ૨૭૦ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થતાં આજે ૧૧૫૩ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડ બેઠકો માટેની મહત્વની ચૂંટણી યોજાઇ હતી. રાજયમાં ૧૧૨૯ સરપંચો અને ૬૦૪૯ વોર્ડ બેઠકો માટેના ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયું છે. સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજયના ૩૨ જિલ્લાઓમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું સરેરાશ મતદાન ૭૫ ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયું હતું. રાજયમાં આજે વહેલી સવારથી જ ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇ ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો. વહેલી સવારથી ગામના જાગૃત નાગરિકો, વૃધ્ધો અને મહિલાઓ લાંબી લાઇનો લગાવી મતદાન માટે ઉભા રહી ગયા હતા.
અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, અમરેલી, છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓમાં વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી. અમદાવાદ જિલ્લામાં વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકાના ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. અમદાવાદ જિલ્લાની ૨૨ ગ્રામ પંચાયતો પૈકી ૯ પંચાયતો સમરસ જાહેર થતાં અહીં આજે ૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી. રાજયના ૩૨ જિલ્લાઓમાં કુલ ૧૪૨૩ ગ્રામ પંચાયતો પૈકી ૨૭૦ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થતાં આજે ૧૧૫૩ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડ બેઠકો માટેની મહત્વની ચૂંટણી યોજાઇ હતી. ૧૦૨ સરપંચોની ચૂંટણી અંશતઃ બિનહરીફ અગાઉ જ ઘોષિત થઇ ગઇ હતી, જયારે ૪૧૯૫ વોર્ડ બેઠકો પણ અંશતઃ બિનહરીફ જાહેર થઇ ગઇ હતી. રાજયના ૩૨ જિલ્લાઓના ૨૨ લાખ, ૫૧હજાર, ૮૮૪ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇ મતદાનમથકો પર પહેલેથી જ તંત્ર દ્વારા લોખંડી સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ વિધાનસભાની ચૂંટણીની જેમ ઇવીએમનો ઉપયોગ કરાયો હતો. તો, આ ચૂંટણીમાં મતદારોને નોટાનો ઉપયોગ કરવાનો પણ વિકલ્પ હતો. વહેલી સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી રાજયની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. જે એકંદરે શાંતિપૂર્ણ અને સારા વાતાવરણમાં સંપન્ન થયું હતું. ઉલ્લેખનીય છે કે, રાજયની ૨૭૦ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે, તે સિવાયની પંચાયતોમાં ૧૭૫૦ સદસ્યો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે. ૧૦૨ જેટલા સરપંચ સમરસ જાહેર થયા છે તો, ૧૫ ગામો એવા હતા કે, જયાં સરપંચ પદ માટે કોઇ ફોર્મ ભરવા જ તૈયાર થયુ ન હતું. રાજય ચૂંટણી પંચના સચિવ મહેશભાઇ જોષીએ જણાવ્યું હતું કે, રાજયભરમાં આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ છે અને કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નથી. મતદારોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કરતાં સાજે ચાર વાગ્યા સુધીમાં ૭૫ ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયું હતું. જે ટકાવારી પાંચ વાગ્યા સુધીના કાઉન્ટીંગ બાદ હજુ ઉંચુ જવાની પૂરી શકયતા છે.