ઈંગ્લેન્ડના કેપ્ટને એક વિવાદાસ્પદ નિવેદન આપીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં ઈઓન મોર્ગને કહ્યું કે, એ મારું કામ નથી કે, ઈંગ્લેન્ડના ફેન્સને કહેવામાં આવે કે, તેમને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર અને સ્ટિવ સ્મિથ સામે કેવું વર્તન કરવું જોઈએ.
બોલ ટેમ્પરિંગ વિવાદમાં એક વર્ષના પ્રતિબંધ બાદ વોર્નર અને સ્મિથ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફર્યા છે. આ પહેલાં વર્લ્ડ કપની મેચોમાં ઈંગ્લેન્ડમાં આ બંને ક્રિકેટરોને ફેન્સની હૂટિંગનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેન્ગરે આ હૂટિંગને રોકવા માટે અપીલ કરી છે. જ્યારે ભારત સામેની મેચમાં પણ હૂટિંગ કરી રહેલાં દર્શકોને વિરાટ કોહલીએ સમજાવ્યા હતા. તો પાકિસ્તાની કેપ્ટન સરફરાઝે પણ સમર્થકોને હૂટિંગ ન કરવા માટે જણાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયા સામેની મેચ લોડ્ર્સના ઐતિહાસિક મેદાનમાં થવાની છે. સામાન્ય રીતે અહીં ફેન્સ સભ્ય વર્તન કરે છે. પણ તેમ છતાં મોર્ગને વોર્નર અને સ્મિથ પ્રતિ સન્માનની અપીલ કરવા માટે ઈન્કાર કરી દીધો હતો.
મોર્ગને કહ્યું કે, હું કોઈપણ પ્રકારની ઉમ્મીદ નથી રાખી રહ્યો. મને લાગે છે કે, દેશભરમાં અલગ-અલગ પ્રકારનાં પ્રશંસકો અને સમર્થકોની પ્રતિક્રિયા અલગ-અલગ હોય છે. દુનિયાભરમાં આમ જ હોય છે. એટલે જોઈએ કે શું થાય છે. તમને ખબર નથી હોતી કે, સમર્થક કેવી પ્રતિક્રિયા આપશે.