શેરબજારમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી મંદી ઉપર આજે બ્રેક મુકાઈ હતી. કારોબારના અંતે સેંસેક્સ ૦.૮ ટકા સુધરીને બંધ રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને એચડીએફસી જેવા હેવિવેઇટમાં જોરદાર તેજી જામી હતી. બીએસઈ સેંસેક્સ આજે ૩૧૨ પોઇન્ટ ઉછળીને ૩૯૪૩૫ની ઉંચી સપાટીએ રહ્યો હતો. રિલાયન્સ, એનટીપીસી, એક્સિસ બેંક, તાતા, પાવરગ્રીડ સહિતના શેરમાં જોરદાર તેજી જામી હતી. નિફ્ટી ૫૭ પોઇન્ટ ઉછળીને ૧૧૭૯૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો. માર્કેટ બ્રીડ્થ પણ તેજીમાં રહી હતી. આજે કારોબાર વેળા ૯૧૧ શેરમાં તેજી અને ૮૩૪ શેરમાં મંદી રહી હતી. તમામ નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સમાં તેજી જામી હતી. નિફ્ટી મેટલ અને નિફ્ટી પીએસયુ બેંકમાં ક્રમશઃ ૧.૭ અને એક ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બ્રોડર માર્કેટમાંથી બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૯૬ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૬૭૪ રહી હતી. આવી જ રીતે બીએસઈ સ્મોલકેપમાં ૪૫ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૧૦૮ નોંધાઈ હતી. એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સના શેરમાં આજે પાંચ ટકાનો ઘટાડો રહ્યો હતો જ્યારે ટ્રેન્ટના શેરમાં બે ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ઇમામીના શેરમાં આજે ૧૨ ટકાનો ઉછાળો નોંધાયો હતો. કંપનીએ કહ્યું છે કે તેના પ્રમોટરો કંપનીમાં કન્ટ્રોલિંગ હિસ્સેદારી જાળવી રાખવા માટે ઇચ્છુક છે. વધારે હિસ્સો વેચશે નહીં. પ્રમોટરો દ્વારા પણ દેવાની સ્થિતિને ઘટાડી દેવા માટે છથી આઠ મહિનાનો સમય નક્કી કર્યો છે. આજે કારોબાર દરમિયાન આ શેરમાં ૮.૭૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. શેરબજારમાં તેજી માટે જુદા જુદા પરિબળો જવાબદાર દેખાઈ રહ્યા છે જેના ભાગરુપે આગામી દિવસોમાં પણ તેજી રહે તેવા સંકેત છે. એકબાજુ સ્થિર સરકારની કેન્દ્રમાં સતત બીજી વખત વાપસી થઇ છે. બજેટ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે કારોબારીઓની નજર હવે બજેટમાં લેવામાં આવનાર પગલા ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. મે મહિનાના ફિસ્કલ ડેફિસીટના આંકડા અને ઇન્ફ્રાસ્ટકચર આઉટપુટ ડેટા શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર છે. બંને આંકડાને મહત્વપૂર્ણ ઘણવામાં આવે છે. જી-૨૦ની બેઠક પણ હવે યોજાનાર છે. બગડી રહેલી વૈશ્વિક આર્થિક સ્થિતી વચ્ચે જી-૨૦ની બેઠકમાં હવે જાપાનમાં શરૂ થઇ રહી છે. ટ્રેડ વોરના વિષય અને અમેરિકા તેમજ ઇરાન વચ્ચેની કટોકટીના મુદ્દા પર આ બેઠકમાં વિચારણા કરવામાં આવનાર છે. માર્કેટમાં વિદેશી રોકાણકારો પણ પરિબળ તરીકે રહેનાર છે.વિદેશી રોકાણકારોએ આ મહિનામાં હજુ સુધી સ્થાનિક મુડીમાર્કેટમાં ૧૦૩૧૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વિદેશી રોકાણકારો હાલમાં ભારતીય બજારને લઇને આશાવાદી દેખાઇ રહ્યા છે. નવેસરના આંકડા દર્શાવે છે કે ત્રીજી જુનથી ૨૧મી જુન વચ્ચેના ગાળામાં વિદેશી રોકાણકારોએ ઇક્વિટીમાં ૫૫૨.૦૭ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે.જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૯૭૬૦.૫૯ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ કુલ રોકાણનો આંકડો ઇક્વિટી અને ડેબ્ટમાં મળીને ૧૦૩૧૨.૬૬ કરોડ સુધી પહોંચી ગયો છે. ક્રુડ ઓઇલની કિંમતો અને રૂપિયાની ચાલ પણ કારોબારી નજર રાખી રહ્યા છે.છેલ્લા સપ્તાહમાં નિફ્ટીમાં ૦.૮૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. જ્યારે સેંસેક્સમાં ૦.૬૫ ટકાનો ઘટાડો થયો હતો. શેરબજારમાં હાલમાં વૈશ્વિક ઘટનાક્રમની અસર સૌથી વધારે રહેનાર છે. શેરબજારમાં ગઇકાલે કારોબારના પ્રથમ દિવસે જોરદાર મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. વૈશ્વિક બજારોમાં મંદી અને તેલ કિંમતોમાં વધારાની સ્થિતી વચ્ચે શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. બેન્ચમાર્ક એસએન્ડપી સેંસેક્સ ૭૨ પોઇન્ટ ઘટીને ૩૯૧૨૩ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૪ પોઇન્ટ ઘટીને ૧૧૭૦૦ની નીચી સપાટી પર રહ્યો હતો.