હવે ટ્રેનમાં પ્રવાસ કરનારા યાત્રીઓને મુસાફરી દરમિયાન કોઈ પણ પ્રકારનો ઝાટકો લાગશે નહીં, કારણ કે ટ્રેનના કોચને જોડવા માટે રેલવે દ્વારા નવા હૂકનો પ્રયોગ કરવામાં આવશે.
પ્રાથમિક તબક્કામાં પ્રિમિયમ ટ્રેનો રાજધાની અને શતાબ્દી એકસપ્રેસમાં આ નવા પ્રકારના હૂક લગાવવામાં આવશે. યાત્રા દરમિયાન મુસાફરોને કોઈ તકલીફ ઉભી ના થાય તે માટે ટ્રેનમાં જર્મન મેડ લિંક હોફમેન-બસ (એલએચબી) કોચ લગાવવામાં આવશે. નવા હૂકના કારણે યાત્રીઓની મુસાફરી વધુ સુવિધાજનક બનશે.
રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ રેલવે ૨૦ વર્ષ જૂના સેંટર બફર કપલર (સીબીસી)ને હટાવીને નવા વર્ઝનને લઇને આવી રહી છે. નવા વર્ઝનને સીવીસી દ્વારા ટ્રેનના કોચને એકબીજા સાથે જોડવામાં આવશે, જેથી મુસાફરોને ઝટકો ના લાગે. રેલવે મંત્રાલય આગામી એપ્રિલ સુધી જૂના હૂક હટાવી દેશે એમ જાણવા મળે છે. રેલવે બોર્ડ રોલિંગ સ્ટોકના સભ્ય રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે ’ડિઝાઇન અંગે એક ખાસ સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં ઝાટકાને કઇ રીતે રોકી શકાય તે અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે જાન્યુઆરી સુધીમાં રાજધાની અને શતાબ્દી એકસપ્રેસમાં નવા હૂક લગાવી દેવામાં આવશે.
શરૂઆતમાં પ્રિમિયમ ટ્રેનોમાં આ સુવિધા આપવામાં આવશે, ત્યારબાદ અન્ય ટ્રેનોને પણ નવા હૂક લગાવી આવરી લેવામાં આવશે.