ઝારખંડમાં બસ ખીણમાં ખાબકતા ૬ના મોત : ૪૦ ઘાયલ

357

ઝારખંડના ગઢવામાં સોમવારે રાત્રે મોટી દુર્ઘટના બની છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એક બસ ખીણમાં પડવાને કારણે ૬ લોકોના મોત થયા છે. રિપોર્ટ અનુસાર, બસમાં આશરે ૪૫ લોકો સવાર હતા. ગઢવાની પાસે બસ અચાનક ખીણમાં પડી ગઈ હતી, જેને કારણે બસમાં સવાર ૬ લોકોના મોત થયા છે, જ્યારે બાકીના ૪૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ખીણમાંથી લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના રાત્રે ૨.૩૦ વાગ્યે બની હતી. સૂચના મળ્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિક ગ્રામીણોએ પણ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, ઘણા લોકો હજુ પણ બસની નીચે દબાયા છે. જેમને સલામત બહાર કાઢવા માટે સ્થાનિક લોકો પોલીસ સાથે મળીને બચાવ અભિયાન ચલાવી રહ્યા છે.

બસ અમ્બિકાપુરથી સાસારામ જઈ રહી હતી.

ઉલ્લેખનીય છે કે, ૨૧ જુને હિમાચલ પ્રદેશના કુલ્લૂ જિલ્લામાં એક બચ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. જેમાં ૪૪ લોકોના મોત થયા હતા અને ૩૦ કરતા વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કુલ્લૂ પોલીસ અધિક્ષક શાલિની અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે, પ્રાઈવેટ બસ જિલ્લાના બંજાર તાલુકામાં ધોથ મોડની પાસે ૩૦૦ મીટર ઊંડા નાળામાં પડી ગઈ હતી. આ બસમાં ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓ સવાર હતા.

Previous articleઅમિત શાહ આજથી બે દિવસીય જમ્મુ-કાશ્મીરના પ્રવાસે
Next articleભારત સામે ઝૂક્યુ એન્ટિગુઆ : મેહુલ ચોકસીની નાગરિકતા રદ કરશે