૭૦ વર્ષની બિમારીઓને ૫ વર્ષમાં ઠીક કરવી મુશ્કેલ હોય છે : મોદી

364

સંસદના બંને ગૃહના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિએ કરેલા અભિભાષણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. નવી ચૂંટાયેલી ૧૭મી લોકસભાના પ્રથમ સત્રના બંને ગૃહના રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણનો આભાર માનતા દેશવાસીઓને ’નયા ભારત’, ’આધુનિક ભારત’ના નિર્માણ માટે આહ્વાન કર્યું હતું.

વડાપ્રધાને ભ્રષ્ટાચાર સામે પોતાની સરકારની પ્રતિબદ્ધતા પર પણ ભાર મુક્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું કે, અમારી સરકાર આતંકવાદનો નાબૂદ કરવા માટે પણ દરેક સ્તરે કામ કરશે. અમે મહિલા સશક્તીકરણના મુદ્દે પણ કામ કરવા માગીએ છીએ.  અમારી સરકારનું સપનું છે ’નયા ભારત’, ’અત્યાધુનિક ભારત’, ’ઈઝ ઓફ લિવિંગ’. દેશને આગળ લઈ જવા માટે દરેક ક્ષેત્રમાં કામ કરવુ પડશે. રાષ્ટ્રપતિએ દેશને આધુનિક્તાના ક્ષેત્રે આગળ કઈ રીતે લઈ જવું તેના પર ભાર મુક્યો છે.

પીએમ મોદીએ દેશના અર્થતંત્રને ૫ ટ્રીલિયનનું બનાવવા માટે તમામ પક્ષોને આગળ આવવા માટે આહ્વાન કર્યું હતું. ’જય કિસાન, જય વિજ્ઞાન અને હવે જય અનુસંધાન’ નવું સૂત્ર બનાવવું પડશે. ભારત પાસે વિશાળ મેઘાશક્તી રહેલી છે અને યુવાનો ઈનોવેશન કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે સામાન્ય લોકોને તેમનો હક મળવો જોઈએ પણ આ બાબતોને બદલવામાં ઘણી મહેનત લાગે છે. ૭૦ વર્ષની બિમારીઓને ૫ વર્ષમાં ઠીક કરવી મુશ્કેલ હોય છે.

ભારત પાસે શસ્ત્રોના નિર્માણની ૨૦૦થી વધુ ફેક્ટરીઓ હતી. દેશ આઝાદ થયો ત્યારે પણ ભારત પાસે શસ્ત્રોના નિર્માણની ૧૫થી ૧૮ ફેક્ટરીઓ હતી. અમે ’મેક ઈન ઈન્ડિયા’ અમલમાં મુકીને દેશને શસ્ત્રો પર આધારિત દેશમાંથી શસ્ત્રોનો નિર્માણ કરતો દેશ બનાવવા માગીએ છીએ.

પીએમ મોદીએ કહ્યું કે, રામમનોહર લોહિયાએ કહ્યું હતું કે ભારત દેશની મહિલાઓની બે મુખ્ય સમસ્યા છે ’પાણી અને પાયખાના’. અમારી સરકારે આ બંને મુદ્દાઓને ધ્યાનમાં લઈને કામ કર્યું છે. આ વખતની સરકારમાં અમે પાણીની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને જ ’જળશક્તિ મંત્રાલય’નું નિર્માણ કર્યું છે. જળસંચયની સાથે-સાથે જળનું સિંચન પણ કરવું પડશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં બે મહત્વની બાબતો પર ભાર મુખ્ય હતો. ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી અને આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવાની તારીખોનો ઉલ્લેખ કર્યો છે. મારું તમામ પક્ષોને આહ્વાન છે કે આ બંને તારીખોની ઉજવણીમાં મારું-તારું ભુલી જઈને આગળ આવે. વડાપ્રધાને ૨૫ જૂનનો દિવસ દેશમાં લાદવામાં આવેલી કટોકટીને યાદ કરતા કહ્યું કે, માત્ર પોતાના હિત માટે બંધારણને નાબૂદ કરી દેવાયું હતું. કટોકટી પછી યોજાયેલી ચૂંટણીમાં દેશના લોકોએ લોકશાહી લાગુ કરવા માટે મતદાન કર્યું અને કટોકટી લાગુ કરનારી સરકારને ઉખાડીને ફેંકી દીધી હતી.

આ વખતે પણ જનતાએ પૂર્ણ બહુમત આપીને દેશની લોકશાહીને સમર્થન આપ્યું છે.

પીએમ મોદીએ ગૃહમાં કોંગ્રેસના વલણ અંગે પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ માત્ર પોતાના લોકોના અંગે જ વિચાર છે. અમારી સરકાર સૌને સાથે લઈને ચાલે છે. દેશમાં યોગદાન આપનારા દરેક લોકોને અમે સન્માનિત કરીએ છીએ અને એટલા માટે જ અમારી સરકારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ મુખરજીનું દેશમાં તેમણે આપેલા યોગદાન બદલ ’ભારત રત્ન’થી સન્માન કર્યું હતું.

વડાપ્રદાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ગૃહમાં કહેવાયું હતું કે અમારી ઊંચાઈઓ સુધી કોઈ પહોંચી શકશે નહીં. પીએમ મોદીએ કહ્યું કે, અમારું કામ કોઈને નીચું દેખાડવાનું કે કોઈની લીટી નાની કરવાનું નથી. અમે તો અમારી લીટીને જ મોટી કરવાનું કામ કરીએ છીએ. તમે ઊંચા પહોંચીને જમીનના મૂળિયા છોડી દીધા છે. અમારી તમને શુભેચ્છા છે કે તમે વધુને વધુ ઊંચે ચડતા રહો.

માત્ર ગરીબોનું કલ્યાણ, ગરીબોનું સશક્તીકરણ, ગરીબોનું ઉત્થાન જ જરૂરી નથી. સામાન્ય માનવીના કલ્યાણની સાથે-સાથે દેશનું ઉત્થાન પણ કરવું જરૂરી છે. દેશને આધુનિક બનાવવા માટે સરકારે બંને પક્ષો પર ધ્યાન આપ્યું. સરકારે હાઈવેથી માંડીને હવાઈ જહાજ અને ટિંકરિંગ લેબથી માંડીને ચંદ્રની સફરની કલ્પના પણ આ સરકારે સાકાર કરી.

Previous articleબિહાર બાળકોના મોત મુદ્દે પ્રદર્શન કરનારની સામે કેસ
Next articleહીરા ઉદ્યોગમાં ભૂકંપ, કસ્ટમ વિભાગે રૂ. ૩૦૦૦ કરોડના હીરા સીઝ કર્યાં