સુરતના શહેરના કતારગામમાં આવેલી એક મોટી ડાયમંડ કંપની તથા સુરતના હીરા બુર્સ સાથે સંકળાયેલા તેના સંચાલકોનું રૂ.૩૦૦૦ કરોડના રફ ડાયમંડનું ઓવરવેલ્યુએશન મુંબઈ કસ્ટમ વિભાગે પકડી પાડ્યું છે. રફ ડાયમંડનું ઓવરવેલ્યુએશન કરીને વિદેશ સ્થિત કંપનીમાંથી ભારતમાં આયાત કરવામાં આવ્યા હોવાની વાત ધ્યાને આવતા કસ્ટમ વિભાગે ૭.૫૦ યુએસ મિલિયન ડોલરના રફ ડાયમંડ ભરેલા બે કન્સાઇનમેન્ટ સીઝ કરી દીધા છે.
ડાયમંડના વેલ્યુએશનને લઈને સ્પષ્ટતાં નહીં કરી શકતાં થોડા દિવસો અગાઉ સ્પેશિયલ કાર્ગો કમિશ્નરેટની ટીમે મુંબઈ આવી રહેલા કરોડોના હીરા સીઝ કરી યોગ્ય કાર્યવાહી શરૂ કરી છે. મુંબઇ કસ્ટમમાંથી મળતી માહિતી મુજબ જે કંપનીના કન્સાઇન્ટમેન્ટ સીઝ કરવામાં આવ્યા છે તે કંપની દેશ-વિદેશમાં ૧૨થી વધુ ઓફિસ ધરાવે છે. સાથે જ હીરા ઉદ્યોગકારની ૨૫ પાર્સલો સાથે અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. આયાત કરેલા એક પાર્સલમાં પકડાયેલા હીરાની સરખામણીએ કાગળ પર મૂલ્ય વધુ દર્શાવાયું હતું.ત્રણ હજાર કરોડના રફ ડાયમંડ ઇમ્પોર્ટ કરી ઓવરવેલ્યુએશન કૌભાંડ કરનાર કે.ડીના ટૂંકા નામથી જાણીતી ડાયમંડ કંપનીના માલિકોની પૂછપરછ થતા તેઓ કન્સાઇન્મેન્ટ મુંબઇમાં મંગાવી અન્ય કંપનીઓને રફ વેચતા હોવાની કબૂલ્યું હતું. જેના આધારે મુંબઇની એરપોર્ટ સ્પેશિયલ કાર્ગો કમિશનર એક્ટની ટીમ દ્વારા મુંબઇ અને સુરતની ૧૨ કંપનીઓને નોટિસ પાઠવી છે.