અમિત શાહ-સ્મૃતિ ઇરાનીના નામો દૂર કરવા માટેની અરજી

597

રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા જાહેર થયેલા કોંગ્રેસના નેતા અહમદ પટેલની જીતને પડકારતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ઈલેક્શન પિટિશનમાં આજે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને રાજયસભા સાંસદ એહમદ પટેલની છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી જુબાની અને ઉલટતપાસનો મહત્વપૂર્ણ તબક્કો આજે આખરે પૂર્ણ થયો હતો. એહમદભાઇની જુબાની-ઉલટતપાસ દરમ્યાન ભાજપના બળવંતસિંહ તરફથી રજૂ થયેલા દસ્તાવેજો અને પુરાવાઓ સામે એહમદ પટેલ પક્ષ તરફથી વાંધા રજૂ કરવામાં આવ્યા હતા. બીજીબાજુ, એહમદ પટેલ દ્વારા એક અરજી કરી અમિત શાહ અને સ્મૃતિ ઇરાની હવે લોકસભાના સાંસદ તરીકે ચૂંટાઇ ગયેલા હોવાથી તેમના નામો પ્રતિવાદી પક્ષકારો તરીકે દૂર કરવા આજે એહમદ પટેલ તરફથી માંગ કરાઇ છે.

સાથે સાથે બળવંતસિંહ તરફથી તેઓને અપાયેલી ઇલેકશન પિટિશન એ ઝેરોક્ષ છે, તેથી ઓરીજનલ ઇલેકશન પિટિશનની નકલ જ છે કે કેમ તેની એફએસએલમાં તપાસ કરાવવામાં આવે તેવી દાદ માંગતી અરજી પણ કરાઇ છે. આમ, આ બંને અરજીઓ પર આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. હવે આવતીકાલે ગુજરાત હાઇકોર્ટમાં એહમદ પટેલની હાજરીની કોઇ જરૂરિયાત નહી હોવાથી તેમના વકીલ તરફથી જ કેસમાં રજૂઆત કરવામાં આવશે. રાજયસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને બેંગ્લુરૂ ખાતેના ઇગલટન રિસોર્ટમાં રાખવા સહિતના વિવિધ મુદ્દાઓ પર એહમદ પટેલની છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી જુબાની અને ઉલટતપાસ આખરે આજે પૂર્ણ થઇ હતી. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે એહમદ પટેલે જુબાની દરમ્યાન એક તબક્કે ગંભીર આક્ષેપ કર્યો હતો કે, રાજયસભાની ચૂંટણી દરમ્યાન ભાજપ અને બળવંતસિંહે કોંગ્રેસના છ ધારાસભ્યોના રાજીનામા પડાવ્યા હતા અને કોંગ્રેસના આઠ ધારાસભ્યોને ક્રોસવોટીંગ કરાવ્યું હતું. ઓગસ્ટ-૨૦૧૭માં રાજયસભાની ચૂંટણી દરમ્યાન ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને તોડાય નહી તેની વ્યૂહરચનાના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પહેલા તેના ૪૦થી વધુ ધારાસભ્યોને કર્ણાટકના બેંગ્લુરૂ ખાતેના ઇગલટન રિસોર્ટમાં લઇ જવાયા હતા અને તેમને ત્યાં જ રખાયા હતા અને ત્યાંથી ચૂંટણીના દિવસે તા.૮મી ઓગસ્ટે સીધા મતદાન માટે લાવવામાં આવ્યા હતા, જે મહત્વના મુદ્દાઓ પર આજે બળવંતસિંહના વકીલ દ્વારા કોંગ્રેસના અહમદ પટેલની જુબાની લઇ તેમની ઉલટતપાસ કરવામાં આવી હતી. એહમદ પટેલને બળવંતસંહના વકીલે પૃચ્છા કરી કે, તમે કોંગ્રેસના ધારાસભ્યોને એરપોર્ટ પર લેવા ગયા હતા, જેના જવાબમાં તેમણે જણાવ્યું કે, ના હું, તેઓને લેવા એરપોર્ટ પર ગયો ન હતો. ધારાસભ્યો સાથે તેમણે બેઠક યોજી હતી કે, વાત કરી હતી તે મુદ્દે પણ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેમણે કોઇ ધારાસભ્યો સાથે વાત કરી ન હતી કે બેઠક યોજી ન હતી. માત્ર ચૂંટણીના એક દિવસ પહેલાં એટલે કે, તા.૭મી ઓગસ્ટે તેમણે આણંદ ખાતે ધારાસભ્યો સાથે વાતચીત કરી હતી. એહમદ પટેલે જુબાની દરમ્યાન એક તબક્કે આક્ષેપ કર્યો હતો કે, રાજયસભાની ચૂંટણી દરમ્યાન ભાજપ અને બળવંતસિંહે કોંગ્રેસના છ ધારાસભ્યોના રાજીનામા પડાવ્યા હતા અને કોંગ્રેસના આઠ ધારાસભ્યોને ક્રોસવોટીંગ કરાવ્યું હતું. દરમ્યાન આજે એહમદભાઇની જુબાની અને ઉલટતપાસનો તબક્કો આજે આખરે પૂર્ણ થતાં કોંગ્રેસમાં રાહતની લાગણી ફેલાઇ હતી. જો કે, એહમદ પટેલ તરફથી કરાયેલી નવી બે અરજીઓની સુનાવણી આવતીકાલે હાથ ધરાશે.

Previous articleહીરા ઉદ્યોગમાં ભૂકંપ, કસ્ટમ વિભાગે રૂ. ૩૦૦૦ કરોડના હીરા સીઝ કર્યાં
Next articleગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ : પાવી જેતપુરમાં ૪ ઇંચ