દહેગામ તાલુકાના ઓતમપુરા ગામે પતિને પત્ની અને પુત્રના મારથી મોત થયાની ફરિયાદ મૃતકના ભાઇએ પોલીસ સમક્ષ નોંધાવતા પોલીસ હરકતમાં આવી ગઇ છે. આઠેક માસથી અલગ અલગ જગ્યાએ મજૂરી કરી કયારેક કયારેક ઘરે આવતાં દારૂનું વ્યસન ધરાવતાં વ્યક્તિને તેના પત્ની અને પુત્રે દારૂનું વ્યસન છોડવાનું કહેવા છતાં વ્યસન ન છોડવાના પગલે પત્નીએ બે દિવસથી ખાવાનું નહી આપી કપડા ધોવાના ધોકેણાથી તેમજ પુત્રે પણ ગડદાપાટુનો માર માર્યો હોવાથી મંગળવારે સવારે યુવાન મૃત હાલતમાં ખાટલામાં મળી આવ્યો હતો. મૃતકના મોટાભાઇએ આ સંબંધે દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાંધેજા રહેતા મૃતકના ભાઇ બાબુભાઇ મૂળજીભાઇ પટેલ (ચૌધરી)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે, કે તેનો નાનોભાઇ અંબાલાલ મૂળજીભાઇ પટેલ (ચૌધરી) જે ચારેક દિવસથી ઘરે આવેલો, તેને તેના પત્ની તુલસીબેન તથા સગિર પુત્રે દારૂના વ્યસન મુદ્દે બે દિવસથી ખાવાનું નહી આપીને માર માર્યાની માહિતી મૃતકની બાજુમાં રહેતા કાકાના દિકરા બચુભાઇએ આપી હતી.
પોલીસે અટકાયતમાં લીધેલા મૃતકના પત્ની તુલસીબેન કે જેમણે તાજેતરમાં કોથળીનું ઓપરેશન કરાવેલુ હોવાથી અશક્ત હાલતમાં હતા. તેમણે જણાવ્યું કે હું અશક્તિના કારણે ચાલી પણ શકતી નથી અમે માર માર્યો નથી. હું કે મારો દિકરો તેને શા માટે મારીએ? અંબાલાલ દારૂ પીને આવતા હતા અને બેફામ ગાળો બોલતા રહેતા હતાં. આ મુદ્દે ગિયોડ રહેતી મારી બેનને વાત કરતાં તેણે ભેસો લઇને આવી જવા કહેતા અમે ઘર બંધ કરીને ત્યાં ચાલ્યા ગયા હતા.