કોલેજોમાં ચાલતી સેમેસ્ટર પદ્ધતિ અંગે જરૂરી સુધારા વધારા કરવા રાજ્ય સરકારની વિચારણા

766
guj6-2-2018-4.jpg

રાજ્યની કોલેજોમાં અપાતા શિક્ષણમાં હાલની સેમેસ્ટર પદ્ધતિ સંદર્ભે આવતી અનેક પ્રકારની રજૂઆતોને ધ્યાનમાં લઇને કોલેજોમાં સેમેસ્ટર પદ્ધતિ અંગે વિદ્યાર્થીઓ અને શિક્ષણના હિતમાં જરૂરી સુધારા વધારા કરવા યોગ્ય છે કે કેમ, તે દિશામાં, શિક્ષણ વિભાગે વિચારણા હાથ ધરી છે. 
રાજ્યની સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓની શિક્ષણ મંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને અને શિક્ષણ રાજ્ય મંત્રી  વિભાવરીબેન દવે અને અગ્ર સચિવ ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ  અંજુ શર્માની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાયેલ બેઠકમાં આ અંગે ચર્ચાવિચારણા હાથ ધરાઇ હતી. શિક્ષણ મંત્રીએ આ બેઠકમાં વિદ્યાર્થીઓના હિતમાં હાલની પદ્ધતિમાં કઇ રીતે સુધારો થઇ શકે તે અંગે કુલપતિઓ વિદ્યાર્થીમંડળો અને વાલીમંડળો સાથે વિસ્તૃ્‌ત ચર્ચા વિચારણા કરી તેના તારણો અને પોતાના અભિપ્રાય સાથે ૧પ દિવસની અંદર રાજ્ય સરકારને પોતાનો અહેવાલ આપે તેવી કુલપતિઓને સૂચના આપી છે. આ બેઠકમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણના હિતમાં પ્રવેશ પરીક્ષા અને પરિણામ સમયસર થાય તેવું આયોજન કરવા શિક્ષણમંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કુલપતિઓને સૂચના આપી હતી.
ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓની યશસ્વી કારકિર્દી માટે સતત સર્ચ અને સર્ચ આધારિત રિસર્ચની માનસિકતાને વેગ આપવો જરૂરી છે, તેમ શિક્ષણ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું. ડૉકટરેટની ઉપાધિમાં વધુ ગુણવત્તાની જરૂરિયાત પર ભાર મૂકતાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ ગુણવત્તા સભર પીએચ.ડી.ની ઉપાધિ મેળવે તે માટે સઘન આયોજન ઉપરાંત મદદનીશ પ્રાધ્યાપક અને લેકચરર બનવા માટે લેવાતી ‘નેટ’ અને ‘સ્લેટ’ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ વધુ સફળ થાય તે માટે કોચીંગ- માર્ગદર્શનની વ્યવસ્થા કરવા માટે પણ કુલપતિઓને સૂચના આપી  હતી.
  કોલેજોના વર્ગોમાં વિદ્યાર્થીઓની હાજરી વધતી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવી, પ્લેસમેન્ટ માટે કેમ્પ કરી વિદ્યાર્થીઓને રોજગારી મળે તે માટે આયોજન કરવું. તથા ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે પણ જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. હાલના ચાલુ અભ્યાસક્રમોમાં વર્તમાન અભ્યાસક્રમોને ધ્યાને લઇ તેમાં ફેરફાર કરવા હોય તો તમામ કુલપતિઓને સાથે મળીને વિચારણા કરવા જણાવ્યું હતું.

Previous articleગુજરાતની સાબરમતી નદી સૌથી વધૂ પ્રદૂષિત પુરવાર
Next articleબ્રહ્માકુમારીઝનો ૩૦મો વાર્ષિકોત્સવ અને બ્રહ્માકુમારીઝનાં નવનિર્મિત જગદંબા ભવનનો ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો