સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શિક્ષણની સાથોસાથ સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું અવિરત આયોજન શરૂ કરાયું છે. જેના ભાગરૂપે તાજેતરમાં બોટાદના જંગલમાંથી જુદા-જુદા ૨૩ ગુનામાં વોન્ટેડ કુખ્યાત જુસબ અલ્લારખા નામના ગુનેગારને ઝડપી લેનારી એટીએસની ચાર વીરાંગના બહેનોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં આ ચારેય વિરાંગનાઓનું સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્દઘાટન અંજલિબેન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
પીવીસી ડો.વિજય દેશાણીએ જણાવ્યું હતું કે, એટીએસમાં ફરજ બજાવતી સંતોકબેન ઓડેદરા, શકુંતલાબેન મલ, નીતમિકાબા ગોહિલ અને અરૂણાબેન ગામેતીએ વીરતાનું કામ કર્યું હોય તેના જીવન પરથી બીજી વિદ્યાર્થિનીઓને પણ પ્રેરણા મળે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કુલપતિ ડો.નીતિન પેથાણીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું અને મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શનનો સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્પીપાના ડો.શૈલેષભાઇ સગપરિયા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કઇ રીતે કરવી તેનું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું.