મામીનાં હત્યારા ભાણેજને આજીવન કેદની સજા

686

દોઢ વર્ષ પૂર્વે ભાવનગર નજીકના વરતેજ જીઆઇડીસી વિસ્તારમાં રહેતા સગી મામીને ભાણેજે માથાના ભાગે લોખંડનો દસ્તો અને ધોકો મારી દેતા ગંભીર રીતે ઘવાયેલ મામીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે બે આરોપીઓ સામે હત્યા સહિતનો ગુન્હો નોંધાયો હતો. આ અંગેનો કેસ આજરોજ બુધવારે ભાવનગરના ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો, આધાર પૂરાવા, વિગેરે ધ્યાને લઇ અદાલતે મુખ્ય આરોપી સામે હત્યાનો ગુન્હો સાબિતમાની આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે અન્ય એક આરોપી આ કેસ ચાલતો હતો તે દરમ્યાન તેનું મૃત્ય નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરિયાદી ગોપીકીશન મહતો સુધઇ મહતો જાતે માઝી (ઉ.વ.૪૫, વરતેજ જીઆઈડીસી મૂળ બિહારી) તથા તેમના પત્નિ સંજનાદેવી બંને સાથે રહેતા હતા. આ બનાવ પહેલા એકાદ મહિના પહેલા મરણ જનાર સંજનાદેવી તેના ભાણેજ રામજી ભોંકરી જાતે માજીની સાથે આડો સંબંધ હોય બાળકો સાથે રહેવા જતી રહેલ ત્યારબાદ તા.૦૯-૦૨-૧૮ના રોજ બપોરના સુમારે વરતેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મકાનમાં ગોપીકીશનની દિકરી સંતરા એ તેના પિતા ગોપીકિશનને ત્યાં રામજી ભોંકારી માજી તથા નનકુમાર ઉર્ફે નન્હે ચૌહાણ ઉર્ફે મુખીયા દુખહરણ ચૌહાણ સહિતના સંજનાદેવી સાથે જમતા હોય તે જગ્યાએ જમવા માટે બોલાવતા ફરિયાદી ગોપીકીશન મહતો પણ જમવા માટે જતા આ બાબત ઉક્ત આરોપીઓને નહીં ગમતા તેઓએ ગોપીકિશનને તે જગ્યાએથી કાઢી મુકવાનું કહેતા મરણ જનાર સંજનાદેવીએ કહેલ કે તે અહીં જમશે જે બાબતે લડાઇ ઝઘડો થતા રામજી ભોકારી માજી અને નનકુમાર ઉર્ફે નન્હે ચૌહાણે એકસંપ કરી એકબીજાને મદદગારી કરી સંજનાદેવીના માથામાં મસાલો ખાંડવાનો લોખંડના દસ્તાના ઘા ઝીંકી દીધા હતા. અને લોખંડના ધોકા વડે માર મારતા ગંભીર રીતે ઘવાયેલી સંજનાદેવીનું મોત નિપજ્યું હતું. આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ બનાવ અંગે મરણજનાર સંજનાદેવીના પતિ ગોપીકીશન મહતોએ જે તે સમયે ઉપરોક્ત આરોપી રામજી ભોકારી જાતે માજી તથા નનકુમાર ઉર્ફે નન્હે ચૌહણ ઉર્ફે મુખીયા દુખહરણ ચાૌહાણ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ઇપીકો કલમ ૩૦૨ સહિતનો ગુન્હો નોંધ્યો હતો. આ અંગેનો કેસ આજે બુધવારે ભાવનગરના ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ વિપુલ દેવમુરારીની દલીલો આધાર, પૂરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને લઇ આ કામના મુખ્ય આરોપી રામજી ભોકારી જાતે માજી સામે ઇપીકો કલમ ૩૦૨, મુજબનો ગુન્હો સાબિત માની આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા તથા રોકડા રૂા.૫ હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો. જ્યારે અન્ય આરોપી નનકુમાર ઉર્ફે નન્હે ચૌહાણ, ઉર્ફે મુખીયા દુખગરણ ચૌહાણનું આ કેસ ચાલતો હતો તે દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું.

Previous articleશહેરમાં બે સ્થળે ગેરકાયદે બાંધકામ તોડવા ગયેલું તંત્ર ખાલી હાથે પરત ફર્યું
Next articleફિલ્મ મેન્ટલ હે ક્યાંમાં પહેલા  કરીના કપુર રોલ કરનાર હતી