પાકિસ્તાને બુધવારે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જીત મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે.
આ વચ્ચે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર બાસિત અલીએ દાવો કર્યો છે કે, ૨૦૧૯નો વર્લ્ડ કપ ફિક્સ છે. ભારતીય ટીમ પાકિસ્તાનને સેમિફાઇનલમાં જોવા નથી માંગતી તેથી તે જાણી જોઇને બાંગ્લાદેશ અને શ્રીલંકા સામેની પોતાની મેચ હારી શકે છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રેકેટરે એક ન્યૂઝ ચેનલના શો દરમિયાન જણાવ્યું હતું કે, ભારતીય ટીમ અત્યાર સુધી માત્ર પાંચ મેચ રમી છે અને તેઓ ક્યારેય નહીં ઇચ્છે કે પાકિસ્તાન સેમિફાઇનલ માટે ક્વોલિફાય થાય. ભારત હવે બાંગ્લાદેશ અને શ્રીલંકા વિરુદ્ધ મેચ રમશે. ભારતીય ટીમ જેવી રીતે અફઘાનિસ્તાન સામે રમી તે બધા એ જોયું. તેઓ એવી રીતે રમે છે કે કોઇને શંકા પણ નથી થતી.
બાસિતે વધુમાં જણાવ્યું હતું કે, ૧૯૯૨માં ન્યૂઝીલેન્ડ પણ પાકિસ્તાન સામે જાણી જોઇને હાર્યું હતું, ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર ઓવલમાં ભારત સામે ધીમું રમ્યા. પાકિસ્તાન હજુ આ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામે રમશે. પાકિસ્તાનને આ બન્ને મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. ત્યાંજ ભારતીય ટીમ હજુ વેસ્ટ ઇન્ડિઝ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઇંગ્લેન્ડ સામે રમશે.