૧૪મી ગુજરાત વિધાન સભાના ચૂંટાયેલા ધારાસભ્યોનો ધારાસભ્ય તરીકેનો શપથગ્રહણ સંપન્ન થયો હતો. આ સમારોહમાં બાકી રહેલા ધારાસભ્યોને આજે ગાંધીનગર ખાતે કાર્યકારી અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ તેમની ચેમ્બરમાં તેમને શપથ લેવડાવ્યા હતા.
સ્વર્ણિમ સંકુલ-ર, ગાંધીનગર ખાતે કાર્યકારી અધ્યક્ષની ચેમ્બરમાં પાલનપુરના ધારાસભ્ય મહેશભાઇ પટેલ, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિનભાઇ કોટવાલ, નિકોલના ધારાસભ્ય જગદીશ ભાઇ પંચાલ, દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઇ શેખ અને ભાવનગર (ગ્રામ્ય)ના ધારાસભ્ય વિભાવરીબેન દવેએ ધારાસભ્ય તરીકેના હોદ્દાના શપથગ્રહણ કર્યા હતા. આ વેળાએ દંડક ભરતસિંહજી ડાભી, વિધાનસભા સચિવાલયના સચિવ ડી. એમ. પટેલ અને વિધાન સભાના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં પાતળી બહુમતી સાથે રચાયેલી ભાજપ સરકારમાં ધારાસભ્યો અને મંત્રીઓની નારાજગીનો સિલસિલો અટકતો જ નથી. વિધાનસભાના સભ્ય તરીકે શપથ લેવા માટેની આજે બીજી વખત શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ અને કોંગ્રેસના બાકી રહી ગયેલા ધારાસભ્યોએ શપથ લીધા હતા, પરંતુ ગુજરાત સરકારના નારાજ મંત્રી પરષોત્તમ સોલંકીએ આજે પણ ધારાસભ્યો તરીકેના શપથ લીધા નથી.
ગુજરાતમાં ફરીથી વિજય રૂપાણીની સરકાર બન્યા બાદ મંત્રીપદ માટે અને મનપસંદ ખાતા મેળવવા માટે મંત્રીઓમાં નારાજગી શરૂ થઇ હતી. જેમાં નાણાખાતું લેવા માટે નીતિન પટેલે નારાજગી વ્યક્ત કરતાં તેમને નાણાખાતું આપી દેવામાં આવ્યું હતું.
તે પછી મંત્રી પરષોત્તમ સોલંકીએ પણ પોતાની સીનિયોરિટી પ્રમાણે કેબિનેટ કક્ષાનું મંત્રીપદ આપવા માટેની જીદ પકડી હતી અને આ મુદ્દે સોલંકીએ મુખ્યમંત્રી અને મુખ્ય મંત્રીના આગ્રસચિવ કે. કૈલાશનાથન સમક્ષ પણ નારાજગી વ્યક્ત કરી હતી. નારાજ મંત્રી પરષોત્તમ સોલંકી સતત ચાર વખતથી મંત્રીમંડળની બેઠકમાં પણ સૂચક રીતે ગેરહાજર રહે છે. તે જોતાં સોલંકીની નારાજગી આગામી દિવસોમાં વધુ વિવાદ સર્જે તેવી શક્યતાઓ છે.