ગાંધીનગર મહાનગરપાલિકા પાસે સફાઈની મહત્વની જવાબદારી છે ત્યારે તેની ગુણવત્તા સુધરે અને સફાઈ કર્મચારીઓ સમયસર કામ કરે છે કે નહીં તે જોવા માટે મેયરે મ્યુનિ.કમિશનરને પત્ર લખી સફાઈ અને ફીલ્ડના કર્મચારીઓની જીપીએસ દ્વારા માનવ ટ્રેકીંગ સિસ્ટમથી હાજરી પુરવા રજુઆત કરી છે એટલું જ નહીં કોર્પોરેશનમાં કામ કરતાં અન્ય કર્મચારીઓનું મુવમેન્ટ રજીસ્ટર પણ નિભાવવા માટે કહેવામાં આવ્યું છે. જેથી આગામી સમયમાં આ કામગીરી શરૂ થઈ જશે તેવું લાગી રહયું છે.
રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં સફાઈની મહત્વની જવાબદારી કોર્પોરેશન પાસે છે. જે પેટે કોર્પોરેશન મહીને લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. શહેરના મુખ્ય અને આંતરિક માર્ગોની સફાઈ માટે બે એજન્સીઓ પણ કામ કરી રહી છે તો ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની યોજના પણ અમલમાં છે.
ત્યારે આ કામગીરી વધુ સુદ્રઢ બને અને તેના ઉપર કાયમી મોનીટરીંગ થઈ શકે તે હેતુથી મેયર રીટાબેન કેતનકુમાર પટેલે મ્યુનિ.કમિશનરને પત્ર લખીને જણાવ્યું છે કે કોર્પોરેશન દ્વારા જે સફાઈ કરવામાં આવી રહી છે તેમાં કામ કરતાં તમામ કર્મચારીઓ કામના સમયે હાજર છે કે તે અંગે કોઈ ચોકકસ માહિતી હોતી નથી માટે સફાઈની કામગીરીની ગુણવત્તા જળવાઈ અને સમયસર સફાઈ થવાની સાથે પુરો સમય સફાઈ કર્મચારીઓ કામ કરે છે કે નહીં તે જોવા માટે આ તમામ કામદારોનું જીપીએસ દ્વારા એટલે કે માનવ ટ્રેકીંગ સિસ્ટમનો ઉપયોગ કરીને હાજરી પુરવા માટે જણાવાયું છે.
એટલું જ નહીં ગાંધીનગર કોર્પોરેશનના ફિલ્ડમાં કામ કરતાં કર્મચારીઓને પણ આ હાજરી સિસ્ટમમાં આવરી લેવા અનુરોધ કરાયો છે. તો કોર્પોરેશન કચેરી ખાતે પણ ફરજ બજાવતાં કર્મચારીઓની સમયસર હાજરી પુરવાની સાથે કામના સમય દરમ્યાન કચેરીમાંથી બહાર જતાં હોય ત્યારે મુવમેન્ટ રજીસ્ટર રાખવા પણ જણાવાયું છે.