સે-૪માં આખલાઓના ત્રાસથી વસાહતીઓમાં ફફડાટ ફેલાયો

441

ગાંધીનગર શહેરમાં ચોમાસા દરમિયાન રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે સેક્ટર-૪એમાં ઓમકારેશ્વર મંદિરની પાસે બે આખલાઓની લડતમાં  વસાહતીના વાહનોને પણ નુકશાન થઇ રહ્યું છે. ત્યારે રહિશો દ્વારા અવાર નવાર રજૂઆતો કરવા છતાં આખલાઓને પકડવા માટેની કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવતાં સ્થાનિકોમાં રોષ પણ ઉભો થયો છે.

ગાંધીનગર શહેરમાં રખડતાં ઢોરોને પકડવા માટે તંત્ર દ્વારા યોગ્ય રણનીતિ બનાવવામાં નહીં આવતાં અવાર નવાર સ્થાનિકોને ભોગ બનવું પડે છે. ત્યારે રખડતાં ઢોરો સેક્ટરના સ્થાનિક રહિશો માટે આફત બન્યા છે. સેક્ટરોના ખુલ્લા મેદાનો તેમજ કોમન પ્લોટમાં દિવસ અને રાત્રીના સમયે અડીંગો જમાવીને બેસી જતાં આખલાઓ ઘણી વખત વાહનચાલકો તેમજ અવર જવર કરતાં સ્થાનિકોને અડફેટે લઇ રહ્યાં છે. જેના પગલે અકસ્માતનો સામનો પણ કરવો પડે છે.

ત્યારે સેક્ટર-૪એ ઓમકારેશ્વર મંદિરની બાજુમાં દરરોજ બે આખલાઓ દ્વારા વસાહતીઓને ખૂબ જ હેરાનગતિ ભોગવવાની નોબત આવી છે. આ બંને આખલાઓ લડતાં લડતાં રાહદારીઓને પણ પોતાની લપેટમાં લઇલે છે તો આ લડાઇમાં થોડા દિવસ અગાઉ સ્થાનિક રહિશને અડફેટે લેતાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

ત્યારે ઘરે આગળે પાર્ક કરેલ કારના કાચ પણ આ આખલાની લડતમાં તુટી જવા પામ્યા હતાં.આ અંગે વસાહતીઓ દ્વારા અનેક વખત મહાનગર પાલિકામાં રજૂઆત કરવા છતાં આખલાઓને પકડીને પકડવાની કોઇ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી. જેથી તંત્રની ઢીલી નીતિ સામે રહિશોએ રોષ પ્રગટ કર્યો છે અને સત્વરે રખડતાં ઢોરોને પકડવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

Previous articleઉકળાટ વધતાં નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયાં
Next article૩૧ કીમી લાંબી ગાંધીનગરની ૩૫ મી રથયાત્રા માટે તડામાર તૈયારીઓ