અષાઢી બીજેે ગાંધીનગરમાં ૩૫મી રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે તેની અત્યારથી જ તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. હાથી-ઘોડા-પાલખી સાથે ભગવાન નગરની ચર્યાએ નીકળવાના છે ત્યારે આબુ રોડથી હાથીને પણ ગાંધીનગર લાવવામાં આવશે. ત્યારે રાજ્યની સૌથી લાંબી ૩૧ કિલોમીટર લાંબી રથયાત્રાનો રૂટ આ વખતે પણ યથાવત રાખવામાં આવ્યો છે. સાથે સાથે ભગવાનના મોસાળ જલારામ મંદિરમાં પણ ચાર હજાર ભક્તોના પ્રસાદ માટે વ્યવસ્થા કરવામાં આવશે.
ભક્તો દરરોજ ભગવાનના દર્શનાર્થે મંદિરમાં જતા હોય છે ત્યારે એક દિવસ એટલે કે , અષાઢી બીજના પાવન પ્રસંગે ભગવાન સામેથી ભક્તોને દર્શન આપવા અને ભક્તોની ખબર-અંતર લેવા માટે નગરની ચર્યાએ નીકળતા હોય છે. ગાંધીનગરમાં પણ રથયાત્રા સમિતિ દ્વારા ખાસ બેઠક બોલાવીને પરંપરાગત રૂટ નક્કી કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં સૌથી લાંબી ૩૧ કિલોમીટર લાંબી ગાંધીનગરની રથયાત્રા છે ત્યારે રૂટ ઉપરાંત ભગવાનના રથને આ વખતે નવો બનાવવાની સાથે ભગવાન જગન્નાથજી, ભાઇ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની મૂર્તી તૈયાર કરીને તેનો શણગાર પણ કરી દેવામાં આવ્યો છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી ગાંધીનગરની રથયાત્રા હાથી-ઘોડા-પાલખી સાથે નીકળતી હોય છે ત્યારે આ વખતે પણ હાથી રથયાત્રામાં આવે તે માટે આબુ રોડ ઉપર એક મહાવતને કહેવામાં આવ્યું છે.
આ ઉપરાંત રથયાત્રામાં અમદાવાદના અખાડા અને સેવાભાવી, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને પણ જોડવામાં આવશે. ભગવાનના ઘરે એટલે કે, પંચદેવ મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે તો બીજીબાજુ મોસાળ જલારામ મંદિરમાં પણ ભગવાન અને ભક્તોના વિસામાં તથા પ્રસાદની ખાસ વ્યવસ્થા સચવાય તે માટે તૈયારીઓ અગાઉથી જ આરંભી લેવામાં આવી છે. જેમાં ચાર હજાર જેટલા ભક્તો માટે પ્રસાદ તૈયાર કરવામાં આવશે.