રાજ્યના પાટનગરમાં થોડા દિવસ અગાઉ વરસાદ પડયા બાદ ગાયબ થઇ જતાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના પગલે દિવસ દરમિયાન શહેરમાં વાદળછાયુ વાતાવરણ સર્જાય છે પરંતુ વરસાદ નહીં વરસતા ભેજના પ્રમાણમાં ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે ઉકળાટમાં વધારો જતાં નગરજનો પણ ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. તો બીજી તરફ બુધવારે શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૬.૬ ડિગ્રીએ પહોંચી ગયો હતો.
ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં થોડા દિવસ અગાઉ બદલાયેલા હવામાનના કારણે ચોમાસાની મોસમનો પ્રારંભ થયો હોય તેમ વરસાદ પડયો હતો. આ વરસાદી માહોલ ગાંધીનગર શહેર અને જિલ્લા ઉપર અનુભવવા મળ્યો હતો. જેના પગલે ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં ત્રણ – ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારબાદ વાતાવરણમાં આવેલા પલટાના કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં વધારો થવા પામ્યો હતો.
બે દિવસ અગાઉ શહેરમાં મહત્તમ તાપમાન ૩૨.૮ ડિગ્રીએ હતું. જ્યારે લઘુત્તમ ૨૨.૫ ડિગ્રીએ આવીને અટક્યું હતું. વરસાદી માહોલના પગલે ભેજના પ્રમાણમાં પણ વધારો થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો બીજી તરફ બુધવારે અચાનક જ તાપમાનના પારામાં વધારો થવાની સાથે સાથે ભેજના પ્રમાણમાં ઘટાડો નોંધાતા ઉકળાટ વધી જવા પામ્યો છે. ત્યારે મહત્તમ તાપમાન ૩૬.૬ તથા લઘુત્તમ ૨૯ ડિગ્રીએ પહોંચ્યું હતું.
દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજના પ્રમાણમાં ઘટાડો નોંધાતાં ઉકળાટથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતાં.
રાજ્યના ઘણા વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે પરંતુ પાટનગરમાં વરસાદ નહીં વરસતાં ઉકળાટ ભર્યા વાતાવરણનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. ત્યારે ભેજનું પ્રમાણ સવારે ૭૪ ટકા તથા સાંજે ૫૩ ટકાએ નોંધાતાં દિવસ દરમિયાન નગરજનો પણ ઉકળાટમાં અકળાઇ ઉઠયાં છે. ત્યારે વરસાદ પડવાની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે.