ગાંધીનગર શહેર નજીક આવેલા વાવોલના જલદર્શન એપાર્ટમેન્ટમાં ગઈકાલે મોડી રાત્રે ભોંયતળીયે પાર્ક થયેલા વાહનોમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી અને ગાંધીનગર ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
જો કે છુટાછેડાની તકરારમાં પત્નિને દેખાડી દેવાના ઈરાદાથી યુવાને આ વાહનોમાં આગ લગાડી હોવાનું બહાર આવ્યું હતું અને તેની પત્નિની ફરિયાદના આધારે સે-૭ પોલીસે આ યુવાન સામે તપાસ શરૂ કરી છે. અગાઉ પણ આ યુવાને તેની પત્નિના વાહનો સળગાવી દીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર શહેર નજીક આવેલા વાવોલના જલદર્શન એપાર્ટમેન્ટમાં ગઈકાલે રાત્રે ભોંયતળીયે પાર્ક થયેલા વાહનોમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. આ ફલેટના રહીશોએ તુરંત જ ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવયો હતો.
જો કે ત્યાં સુધીમાં ૧૩ જેટલા વાહનો બળી ગયા હતા. ત્યારે આગની ઘટનામાં નવો જ વળાંક જોવા મળ્યો હતો કેમકે આ ફલેટમાં રહેતા મનાલીબેન કશ્યપભાઈ દવેએ સે-૭ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે રાત્રે તે પરિવાર સાથે ઘરમાં સુઈ રહયા હતા તે દરમ્યાન તેમના બ્લોકના નીચેના ભાગે વાહનો સળગવા લાગ્યા હતા.
જેમાં તેના પણ વાહનો સળગી ગયા હતા. ગઈકાલે તેના પતિ મનિષકુમાર રમેશચંદ્ર ત્રિવેદી સાથે છુટાછેડાની કોર્ટ મેટરની મુદત હતી. જે મુદત પુરી થયા બાદ મનીષે ઉશ્કેરાઈને ધમકી આપી હતી કે હવે જોઈ લેજો આજે રાત્રે શું થાય છે અને તમે કેવા ઉપર ફલેટમાં રહો છો.
તેમ બોલીને જતો રહયો હતો. છ મહિના અગાઉ પણ તેણે મનાલીના બે વાહનો સળગાવી દીધા હતા. ગઈકાલે પણ મનીષે જ આ વાહનોમાં આગ લગાડી હોવાનું ફરીયાદમાં જણાવ્યું હતું. જેના આધારે પોલીસે સિધ્ધાર્થ સ્ટેટસ વાવોલમાં રહેતા મનિષ ત્રીવેદી સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.