સુરત અગ્નિકાંડ : આમરણાંત ઉપવાસની પરવાનગી માટે પોલીસ કમિશનરને રજુઆત

495

સરથાણા તક્ષશિલા અગ્નિકાંડને એક મહિના વિતી ગયો છે. મૃતકોના વાલીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા ન્યાય માટે લડત ચલાવવામાં આવી રહી છે. દરમિયાન સમાજિક સંસ્થાના આગેવાનો પોલીસ કમિશનરને રજુઆત કરવા પહોંચ્યા હતા. અન બાળકોના મોત મામલે ન્યાય મળે તે માટે આમરણાંત ઉપવાસની પરવાનગી આપવા રજુઆત કરી હતી.

સુરત શહેર જ નહીં દેશભરના લોકોના હૈયા હચમચાવનારી તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને એક મહિનો પૂરો થઇ ગયો છે. ૨૨ નિર્દોષોને ભરખી જનારી ગોઝારી આ ઘટનામાં કોઇને છોડવામાં આવશે નહીં એવા સરકારના ખોંખારા વચ્ચે મૃતકો અને તેમના પરિવારજનો આજે પણ ન્યાય માટે વલખાં મારી રહ્યા છે. પાલિકા અને ડીજીવીસીએલની ગુનાઇત બેદરકારી બહાર આવી છતાં બંને તંત્રોના સર્વોચ્ચ અધિકારીઓ સામે કોઇ એક્શન નહીં લેવાતા ભારોભાર આક્રોશ છવાયો છે.બીજી તરફ આ કેસમાં પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાંચ સમક્ષ પણ ન્યાયની અપેક્ષા હતી. જોકે, આગ હોનારતને એક મહિનો વિતી ગયો છે છતાં કમભાગીઓ હજુ ન્યાય માટે વલખાં મારી રહ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં ક્રાઇમ બ્રાંચે ક્લાસિસ સંચાલક ભાર્ગવ બુટાણી, બિલ્ડરો જીગ્નેશ પાઘડાળ, હરસુખ વેકરિયા, રવિન્દ્ર કહાર ઉપરાંત ફાયરના બે ઓફિસરો એસ.કે. આચાર્ય, કીર્તિ મોઢ, પાલિકાના ઇજનેરો પરાગ મુન્શી, જયેશ સોલંકી, વી.કે.પરમાર અને ડીજીવીસીએલના ઇજનેર દિપક નાયકની ધરપકડ કરી છે.

Previous articleનિરવ મોદીને ઝટકો : સ્વિત્ઝર્લેન્ડમાં ૪ બેન્ક ખાતા સીઝ
Next articleઅલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ટૂંકમાં જ ભાજપમાં જોડાઇ શકે