અમદાવાદમાં આજે પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન દિનેશ બાંભણિયા રાષ્ટ્રદ્રોહના કેસમાં કોર્ટની સુનાવણી દરમિયાન સતત ગેરહાજર રહેતા સેશન્સ કોર્ટે બાંભણીયા વિરૂધ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. અદાલતના આ ધરપકડ વોરંટ અનુસંધાનમાં શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા આજે દિનેશ બાંભણીયાની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બાદમાં બાંભણીયાને શરતી જામીન પર મુકત કર્યા હતા. અલબત્ત કોર્ટે બાંભણીયાને એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. ખૂબ જ મહત્વના અને સંવેદનશીલ એવા રાજદ્રોહ કેસની સુનાવણી દરમ્યાન પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન દિનેશ બાંભણીયા દ્વારા સતત ગેરહાજર રહેતાં સેશન્સ કોર્ટે તેની ગંભીર નોંધ લીધી હતી અને આકરૂ વલણ અપનાવી બાંભણીયા વિરૂધ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. કોર્ટે વોરંટ જારી કરતાં ક્રાઇમબ્રાંચ દ્વારા આજે બાંભણીયાની ધરપકડ કરી તેમને કોર્ટમા રજૂ કરવામાં આવ્યા હતા. બાદમાં બાંભણીયાને પકડ વોરંટ રદ કરાવવા અરજી કરી જામીન માંગ્યા હતા, જેની સુનાવણી બાદ કોર્ટે દિનેશ બાંભણીયાને રૂ.૧૫ હજારની પર્સનલ બોન્ડ પર શરતી જામીન આપ્યા હતા પરંતુ સાથે સાથે સબક સમાન રૂ.એક હજારનો દંડ ફટકાર્યો હતો.