હિંમતનગરમાં બસ સ્ટેન્ડ રોડ પરના આકાશગંગા કોમ્પલેક્ષમાં આવેલી ર્ડા. અશ્વિન નાયકની મમતા ગાયનેક હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાની બાતમી આધારે સોમવારે સાંજે જિલ્લા આરોગ્ય વિભાગે સગર્ભા મહિલાને મોકલી સ્ટીંગ ઓપરેશન કર્યું હતું. જેમાં ર્ડાક્ટર ગર્ભની જાતિનું લિંગ પરીક્ષણ કરતાં રંગેહાથ ઝડપાઇ ગયો હતો. આથી તેમનું સોનોગ્રાફી મશીન સીલ કરાયું હતું.
શહેરની મમતા ગાયનેક હોસ્પિટલના ર્ડા. અશ્વિન નાયક તગડી રકમ લઇને ગર્ભ પરીક્ષણ કરતા હોવાની માહિતીને પગલે તેમને જાળમાં ફસાવવા આરોગ્ય વિભાગે એક ગર્ભવતી મહિલાને તૈયાર કરી હતી અને છેલ્લા દોઢેક માસથી તબીબ પાસે નિયમિત ચેકઅપ કરાવી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યાર બાદ ગર્ભસ્થ શિશુ બાળક છે કે બાળકી તે જણાવવા કહેતાં તબીબે રૂ.૧૫ હજારમાં લિંગ પરીક્ષણ કરી આપવા નક્કી કર્યું હતું.
જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. મનીષ ફેન્સીની આગેવાની હેઠળ ઓડિયો- વીડિયો સાથે મહિલાને સોમવારે બપોરે ત્રણેક વાગે હોસ્પિટલમાં મોકલી હતી. સાંજે સાતેક વાગે પરિવારજનોની હાજરીમાં ર્ડા. અશ્વિન નાયકે ગર્ભની સોનોગ્રાફી કરી શિશુની જાતિ જણાવી હતી.
આખોય ઘટનાક્રમ ઓડિયો- વીડિયો ઇક્વીપમેન્ટમાં રેકોર્ડ થઇ ગયો હતો અને સિગ્નલ મળતાં જ આરોગ્ય વિભાગની ટીમ અંદર ધસી ગઇ અને જરૂરી દસ્તાવેજો જપ્ત કરવા સહિત મહિલા, તબીબ અને મહિલા સાથે ગયેલા પરિવારજનોના નિવેદન રેકોર્ડ કર્યા હતા.
લીંગ પરીક્ષણમાં ઝડપાયેલા ર્ડા. અશ્વિન નાયકને બચાવવા ભાજપના હોદ્દેદારો મેદાને પડ્યા હતા અને કેસને રફેદફે કરવા જણાવી આરોગ્ય કર્મીઓને બદલી કરાવી દેવા સુધીની ધમકી આપી હતી.