અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે જી-૨૦ સમિટમાં સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, વેપાર તેમની પ્રાથમિકતા છે. બીજી તરફ અમેરિકાને જોરદાર જવાબ આપતા ચીને વધી રહેલા સંરક્ષણવાદની સામે ચેતવણી આપી હતી. બીજી બાજુ ભારત, જાપાન અને રશિયા જેવા દુનિયાના મોટા દેશોએ પણ બહુપક્ષીય વેપારના નિયમોનો બચાવ કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી ફર્સ્ટની નીતિ હેઠળ ચીન અને ભારતથી થનાર આયાત પર ટેરિફમાં વધારો કરી દીધો છે. ચીનની સાથે અમેરિકાની વેપાર તંગદિલી આસમાને પહોંચી ચુકી છે. ચીની પ્રમુખ જિંગપિંગે કહ્યું હતું કે, વિકસિત દેશ સંરક્ષણવાદની જે નીતિ ઉપર ચાલી રહ્યા છે તે તમામને નુકસાન પહોંચાડનાર છે. તેમણે ઉમેર્યું હતું કે, આના પરિણામ સ્વરુપે ગ્લોબલ ટ્રેડ ઓર્ડર ધ્વંસ થઇ રહ્યા છે.
આના પરિણામ સ્વરુપે તમામ દેશોના સંયુક્ત હિતોને નુકસાન થઇ રહ્યું છે. સમગ્ર દુનિયામાં શાંતિ અને સ્થિરતા સામે ખતરો ઉભો થઇ ગયો છે. ચીનની સાથે રશિયા, જાપાન અને ભારત તરફથી પણ બહુપક્ષીય વેપાર નિયમોનો બચાવ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે, અમેરિકા સંરક્ષણવાદની નીતિને પ્રોત્સાહન આપે છે. જી-૨૦ શિખર બેઠકના ભાગરુપે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જુદી જુદી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાની વડાપ્રધાન સિન્જો સાથે વાતચીત કરી હતી. મોદી સાથે વાતચીત પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ વિચારે છે કે, અમે કેટલીક મોટી ચીજો જાહેર કરવા જઈ રહ્યા છે. શનિવારના દિવસે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીની પ્રમુખને મળનાર છે. આ બેઠકમાં ચીનની ટેલિકોમ કંપની હુવાવેને લઇને પણ વાતચીત થઇ શકે છે. અમેરિકાએ ચીન પર હુવાવે કંપનીના ફોરજી નેટવર્કને રોકવા માટે દબાણ વધારી દીધું છે. બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં આ મુદ્દો જોરદારરીતે ચમકે તેવી શક્યતા દેખાઈ રહી છે.