રાજ્યના પૂર્વ ધારાસભ્યોની કાઉન્સિલ દ્વારા રાજ્ય સરકાર પાસે પેન્શનની માંગણી કરાઈ છે. પૂર્વ ધારાસભ્યોએ ગાંધીનગરમાં એક પત્રકાર પરિષદ યોજી આક્ષેપો કર્યા હતા કે તેમને સતત અપમાન થઈ રહ્યું છે. સરકાર દ્વારા પૂર્વ ધારાસભ્યોને વોલ્વોમાં ફ્રી મુસાફરી કરવાની સવલત જાહેર કરવામાં આવી હોવા છતાં વોલ્વોમાં તેમને ફ્રીમાં મુસાફરીનો લાભ મળતો નથી. પૂર્વ ધારાસભ્યોએ પેન્શનલ, મેડિકલ અને એસ.ટીમાં મુસાફરી સહિતના મુદ્દે પોતાની માંગણીઓ મૂકી હતી.
આ પત્રકાર પરિષદમાં પૂર્વ નાણામંત્રી અને કાઉન્સિલના પ્રમુખ બાબુ મેઘજી શાહ, પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ, ભીખા રબારી, કરશન સોનેરી, સહિતના ધારાસભ્યો એકઠાં થયા હતા. બાબુ મેઘજી શાહે જણાવ્યું, “કોઈ પણ પક્ષમાં ચૂંટાયેલા પૂર્વ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય હોય છે. ગુજરાતની પૂર્વ ધારાસભ્યોની સ્થિતી ખરાબ છે, એસ.ટી.માં ખરાબ વર્તન કરવામાં આવે છે, કન્ડક્ટરો વોલ્વોમાં બેસવા દેતા નથી. સરકારનો પરિપક્ષ હતો પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા દ્વારા મંજૂરી આપવામાં આવી હોવા છતાં સરકાર ધ્યાન આપતી નથી.”
પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે પૂર્વ ધારાસભ્યો પણ પ્રજાના કામ કરે છે, તમામ પૂર્વ ધારાસભ્યોની આર્થિક સ્થિતી સારી હોય તે જરૂરી નથી. પૂર્વ ધારાસભ્યોએ સરકાર પાસે ૨૦,૦૦૦ રૂપિયા પેન્શનની માંગણી કરી છે.