એમ.એસ. યુનિવર્સિટીમાં કરાયેલા ફી વધારાના વિરોધમાં વિદ્યાર્થી સંગઠન એન.એસ.યુ.આઇ.એ સયાજીગંજ રોડ પર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો. યુ.જી.એસ.એજણાવ્યું હતું કે, ફી ઘટાડો કરવામાં નહીં આવે તો વાઇસ ચાન્સેલરની ગાડી ચોરી કરીશું અને તેને વેચીને વિદ્યાર્થીઓની ફી ભરવાની ચીમકી ઉચ્ચારી હતી.
યુનિવર્સિટી જી.એસ. અને એન.એસ.યુ.આઇ. અગ્રણી વ્રજ પટેલે જણાવ્યું હતું કે, એમ.એસ.યુનિવર્સિટી દ્વારા દરેક યુનિટમાં કમરતોડ ફી વધારો કરવામાં આવ્યો છે. એન.એસ.યુ.આઇ. સહિત વિવિધ સંગઠનો દ્વારા ફી ઘટાડાના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે. પરંતુ યુનિવર્સિટી સત્તાવાળાઓનું પેટનું પાણી હાલતું નથી. આજે સયાજીગંજમાં રોડ ઉપર ટાયરો સળગાવીને ચક્કાજામ કરી ફી ઘટાડાની માંગણી કરતા સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા ફી ઘટાડાનો ત્વરીત નિર્ણય લેવામાં નહીં આવે તો વાઇસ ચાન્સેલરની કાર ચોરીશું. અને અને તે કાર વેચીને જે વિદ્યાર્થીઓ ફી ભરી શકે તેવી સ્થિતીમાં નથી. તેવા વિદ્યાર્થીઓની ફી ભરીશું. એક તરફ સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાવે છે. બીજી તરફ ફી વધારો કરવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીમાં અનેક વિદ્યાર્થીઓ છે લોકોની આર્થિક સ્થિતી સારી નથી. તેવા વિદ્યાર્થીઓ રૂપિયા ૧૬૦૦૦ ફી કેવી રીતે ભરી શકે. પરંતુ જ્યાં સુધી ફીમાં ઘટાડો કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. અને જરૂર પડે એન.એસ.યુ.આઇ. સમગ્ર ગુજરાતમાં આંદોલન લઇ જશે. અને મુખ્યમંત્રીના પૂતળા દહનના કાર્યક્રમો આપશે.