અમદાવાદ શહેરમાં પોલીસકર્મીની દાદાગીરી સામે આવી છે. નારોલ જીઈબી સબ સ્ટેશનની બાજુમાં આવેલી કોયલી તલાવડી પાસે સિવિલ ડ્રેસમાં આવેલા બે પોલીસકર્મીઓએ યુવકને માર માર્યો હોવાની ઘટના બની છે. એક મકાનની બહાર જાહેરમાં પેશાબ કરતા બંને પોલીસકર્મીઓને યુવકે રોકતા બંનેએ તેને માર માર્યો હતો. વચ્ચે છોડાવવા પડેલા યુવકને પણ માર માર્યો હતો. નારોલ પોલીસે સિવિલ ડ્રેસમાં આવેલા બે પોલીસકર્મીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નારોલના જીઈબી સબ સ્ટેશનની બાજુમાં આવેલી કોયલી તલાવડી પાસે સુનિતાબેન કાવઠીયા તેમના પરિવાર સાથે રહે છે. સાંજે તેમના મકાન બહાર સિવિલ ડ્રેસમાં આવેલા બે પોલીસકર્મીઓ ગલીમાં જાહેરમાં પેશાબ કરતા હતા જેથી સુનિતાબેનના દિયર રાકેશે બંનેને રોક્યા હતા અને અહીંયા મહિલાઓ અને બાળકો રહે છે તેમ કહ્યું હતું. બંને પોલીસકર્મી અને રાકેશ વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં બંને ત્યાંથી જતા રહ્યા હતા.
થોડીવાર બાદ બંને પોલીસકર્મીઓ ત્યાં આવ્યા હતા. ઘરની બહાર ગાળો બોલી હતી. રાકેશે ના પાડતા તેને દંડા વડે માર મારવાનું શરૂ કર્યું હતું. સુનિતાબેનની પુત્ર સચિન વચ્ચે છોડાવવા પડતા તેને પણ માર માર્યો હતો. ઈજાગ્રસ્ત રાકેશને સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નારોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.