છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણમાં કેન્દ્રીય સુરક્ષા દળ (સીઆરપીએફ)ના ત્રણ જવાન આજે શહીદ થયા હતા. આ હુમલામાં એક મહિલાનું પણ મોત થયું છે. પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ થઇ હતી. બીજાપુર જિલ્લા પોલીસ અધિકારીઓએ માહિતી આપતા કહ્યું હતું કે, જિલ્લાના ભેરમગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના કેસકુતુલ ગામમાં આ અથડામણ થઇ હતી. સીઆરપીએફની ૧૯૯મી બટાલિયનના પોલીસ અધિકારી મધુ પાટીલ, સહાયક નિર્દેશક મદનપાલ અને હવાલદાર તાજુ ઓટી શહીદ થયા છે. જ્યારે અન્ય એક જવાનને ઇજા થઇ છે. અધિકારીઓએ કહ્યું છે કે, આ ઘટનામાં વાહન પર રહેલી એક મહિલાનું પણ મોત થયું છે. અન્ય એક યુવતી ઘાયલ થઇ છે.
ભેરમગઢ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં સીઆરપીએફનો એક કાફલો પેટ્રોલિંગ માટે રવાના કરવામાં આવ્યો હતો. આ કાફલો જ્યારે કેસકુતુલ ગામમાંથી વન્ય વિસ્તારમાં પહોંચ્યો હતો ત્યારે છુપાયેલા નક્સલવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી જેમાં સીઆરપીએફના બે પોલીસ કર્મી શહીદ થઇ ગયા હતા. મોડેથી અન્ય એક જવાનનું પણ મોત થયું હતું. પોલીસ અધિકારીઓના કહેવા મુજબ ઘટનાની માહિતી મળતાની સાથે જ કાફલો વધુ જવાનો સાથે રવાના કરાયો હતો. ઘાયલ થયેલા લોકોને ભેરમગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નક્સલવાદીઓએ સીઆરપીએફના જવાનો પાસેથી હથિયારોની લૂંટ ચલાવી હતી જેમાં એકે ૪૭ રાયફલ, બુલેટપ્રુફ જેકેટ અને વાયરલેસ સેટનો સમાવેશ થાય છે. ક્ષેત્રમાં નક્સલવાદીઓ સામે જોરદાર ઓપરેશન હજુ પણ જારી છે.