મુંબઇમાં ભારે વરસાદથી હાલત કફોડી

427

દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોનસુનની ધીમી ગતિથી શરૂઆત થયા બાદ મોનસુને હવે ગતિ પકડી લીધી છે. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો આજે જળબંબાકાર બની ગયા હતા. પાણી ભરાઇ જવાના કારણે ભારે અંધાધુંધી ફેલાઇ ગઇ હતી. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તોફાની પવનની સાથે વરસાદ પડતા વિજિબિલિટી ઘટી ગઇ હતી. જેના કારણે લોકલ ટ્રેન સેવા પર અસર થઇ હતી. હવામાન વિભાગના કહેવા મુજબ મુંબઇ અને આસપાસના વિસ્તારો તેમજ મહરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે.

ભારે વરસાદના કારણે લોકલ ટ્રેન સેવા પણ ખોરવાઇ ગઇ છે. વિમાની સેવાને પણ અસર થઇ છે.

હવામાન વિભાગે મુંબઇ અને આસપાસના વિસ્તારો માટે ભારે વરસાદને લઇને એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. બીજી બાજુ બીએમસી દ્વારા કોઇ પણ ઘટનાથી બચવા માટે લોકોને મેનહોલ ન ખોલવા માટે સુચના આપી છે. મુંબઇની લાઇફલાઇન સમાન ગણાતી લોકલ ટ્રેન સેવાને કોઇ વધારે અસર થઇ નથી. જો કે કેટલાક સ્થળો પર યાત્રીઓ અટવાઇ ગયા હતા. મુંબઇ મેટ્રોની સેવા યથાવત રીતે જારી રહી હતી. સેન્ટ્રલ લાઇન પર ટ્રેનો ૩૦ મિનિટ મોેડેથી દોડી રહી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા ટિ્‌વટ કરીને કહેવામાં આવ્યુ  છે કે મુંબઇમાં મોનસુનની એન્ટ્રી થઇ ગઇ છે. વેસ્ટર્ન રેલવેના ઉપનગરીય વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. લોકલ ટ્રેનો સામાન્ય રીતે ચાલી રહી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઇ રહેલા લોકોને વરસાદના કારણે મોટી રાહત થઇ છે. જો કે પાણી ભરાઇ જવાના કારણે તકલીફ પણ આવી રહી છે. અંધેરી અને સાયનમાં ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત એરપોર્ટ, પવઇ, એસવી રોડ, વીરા દેસાઇ રોગ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જુહુમાં પણ પાણી ભરાઇ ગયા છે.  જે વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઇ હતી તેમાં તમામ ભરચક રહેતા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. વરસાદના પરિણામ સ્વરુપે ઉપનગરીય વિસ્તારોમાં લોકલ ટ્રેન સ્ટેશનો ઉપર જોરદાર ભીડ જામી હતી. વરસાદ બાદ ટ્રાફિકની હાલત કફોડી બની હતી. આજે સવારે મુંબઈ એરપોર્ટ ઉપર વિજિબિલિટી ઘટી ગઈ હતી જેના લીધે એક ફ્લાઇટને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. પાલઘર જિલ્લામાં વિજળી પડવાથી આઠ વર્ષના એક બાળકનું મોત થયું હતું. આ બનાવ સકપોર ગામમાં બન્યો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૩૬ કલાક સુધી મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો અને ખાસ કરીને મુંબઈ, થાણે, રત્નાગીરી અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદ થઇ શકે છે. ભારે વરસાદની ચેતવણી બાદ તંત્ર સાબદુ થઇ ગયું છે. સાથે સાથે દરેક વોર્ડ માટે એક ટિ્‌વટર હેન્ડલ બનાવવામાં આવ્યું છે જેના પર પોતાના વિસ્તારની સમસ્યાઓને રજૂ કરી શકાશે.

Previous articleછત્તીસગઢ : અથડામણમાં ૩ સીઆરપીએફ જવાન શહીદ
Next articleજમ્મુ કાશ્મીર અનામત સુધારા બિલ લોકસભામાં આખરે પાસ