જોરદાર ધાંધલ ધમાલ વચ્ચે લોકસભામાં જમ્મુ કાશ્મીર અનામત સુધારા બિલ પાસ કરી દેવામાં આવ્યું હતું. આની સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનનો સમય છ મહિના સુધી વધારવા માટેનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. પહેલા રાષ્ટ્રપતિ શાસનની અવધિ ત્રીજી જુલાઈના દિવસે પૂર્ણ થનાર હતો. કોંગ્રેસના સભ્યોએ આ બિલને લઇને જોરદાર હોબાળો મચાવ્યો હતો.
બીજી બાજુ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ચૂંટણી પંચ જ્યારે પણ કહેશે ત્યારે જમ્મુ કાશ્મીરમાં નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી યોજવામાં આવશે. અમિત શાહે બિલના સમર્થનની વાત કરતા કહ્યું હતું કે, મોદી સરકારની આતંકવાદની સામે ઝીરો ટોલરન્સની નીતિ રહી છે. દેશની સરહદોની સુરક્ષા થાય તથા દેશ આતંકવાદથી મુક્ત થાય તેવી અમારી યોજના રહેલી છે. કોંગ્રેસ પાર્ટીએ આ બિલનો જોરદાર વિરોધ કર્યો હતો. કોંગ્રેસી નેતા મનિષ તિવારીએ કહ્યું હતું કે, ભાજપ અને પીડીપીના ગઠબંધનના કારણે એવી સ્થિતિ બની છે કે, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની મર્યાદા વધારવાની ફરજ પડી છે. તિવારીએ કહ્યું હતું કે, જો સરકારની નીતિ આતંકવાદની સામે કઠોર છે તો અમે તેનો વિરોધ કરતા નથી પરંતુ આ ધ્યાન રાખવા જેવી બાબત છે કે, આતંકવાદ સામેની લડાઈ એ વખતે જ જીતી શકાય છે જ્યારે રાજ્યના લોકો સાથે રહે છે.
આવા મુદ્દા ઉપર કોંગ્રેસના સભ્યોએ આક્રમક વલણ અપનાવ્યું હતું. લોકસભામાં રાષ્ટ્રપતિ શાસનને છ મહિના માટે લંબાવવાને લીલીઝંડી આપી દેવામાં આવી હતી. શાહે એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં ચૂંટણી લોકશાહી માહોલમાં સ્વતંત્ર અને નિષ્પક્ષરીતે યોજાશે. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપવા સાથે સંબંધિત બંધારણની કલમ ૩૭૦ સ્વરુપમાં કામ ચલાઉ છે. તે કોઇ કાયમી નથી. લોકસભાએ આજે જમ્મુ કાશ્મીર રિઝર્વેશન સુધારા બિલને પણ મંજુરી આપી હતી. આ બિલ અગાઉની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વટહુકમની જગ્યા લેશે. આનાથી આંતરરાષ્ટ્રીય સરહદમાં રહેતા લોકોને સીધી ભરતીમાં અનામતના લાભ મળી શકશે. સાથે સાથે પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ અને બઢતીમાં પણ લાભ મળશે. બિલની જોગવાઈમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અંકુશરેખાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર રહેતા લોકોને આનાથી ફાયદો થશે. રાષ્ટ્રપતિ શાસનને લંબાવવાની માંગ કરતા વૈધાનિક ઠરાવનો જવાબ આપતા અમિત શાહે ભારપૂર્વક કહ્યું હતું કે, મોદી સરકાર આતંકવાદને લઇને ખુબ કઠોર વલણ ધરાવે છે. રાજ્યમાં સુરક્ષા પાસાઓને અપગ્રેડ કરવા ૨૩૦૭ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી ચુક્યા છે. કોંગ્રેસ અને તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુની ટિકા કરતા શાહે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં એક તૃતિયાંશ હિસ્સો ભારત પાસે નથી. કોંગ્રેસી સભ્યો તરફથી તીવ્ર પ્રતિક્રિયા બાદ અમિત શાહે આ મુજબનો મુદ્દો ઉઠાવ્યો હતો. નહેરુના નામનો ઉલ્લેખ અમિત શાહ દ્વારા કરવામાં આવ્યા બાદ ગૃહમાં ભારે ધાંધલ ધમાલ થઇ હતી.